News of Friday, 3rd April 2026
યુદ્ધની અસરઃ પૂજા સામગ્રીના ભાવમાં ૨૫ ટકા વધારો
અગરબત્તી એસોસિયેશને પાંચ એપ્રિલથી નવો ભાવવધારો લાગુ કરવાની જાહેરાત કરી

રાજકોટઃ વૈશ્વિક યુદ્ધની કારણે હવે ધાર્મિક પૂજાવિધિમાં વપરાતી સામગ્રીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. અને પ એપ્રિલથી ભાવ વધારો અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે.
સુરત શહેર અગરબત્તી એસોસિયેશનના ૩૦ જેટલા સભ્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં ચર્ચા કરવામાં આવી હતી કે યુદ્ધના કારણે કાચો માલ મળવો મુશ્કેલ બન્યો છે. બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે જે મટીરિયલ પહેલા ૧૨૦ + ૧૮ ટકા જીએસટીના ભાવે મળતું હતું. એ હવે ૧૮૫ +૧૮ ટકા
જીએસટી ચૂકવવા પડી રહ્યા છે. રો મટીરિયલ્સ જ મોંઘું હોવાના લીધે નાછૂટકે ભાવ વધારો કરવાની સ્થિતિ ઊભી થઇ છે. આ ભાવ વધારો અમદાવાદ સહિતના શહેરોમાં તો એક એપ્રિલથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. જ્યારે સુરતમાં તેનો અમલ પાંચ એપ્રિલથી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં અગરબત્તી, કપૂર, ધૂપ, રૂમ ફ્રેશનર, અત્તર સહિતની તમામ સામગ્રીના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ પૂજા સામગ્રીના વેચાણ ભાવમાં વધારો કરવામાં આવશે.
બજારમાં માત્ર ભાવ વધારો જ નથી પરંતુ માલની ભારે શોર્ટેજ પણ વર્તાઈ રહી છે. તેમ છતાં કારખાનાઓ ચાલુ રાખવા અને કુશળ કારીગરો છૂટા ન થઈ જાય તે હેતુથી ઘણા વેપારીઓ હાલમાં પડતર કિમતે વેપાર કરી રહ્યા છે. યુધ્ધને કારણે સ્થિતિમાં કોઇ સુધારો નહીં આવતા આખરે ભાવ વધારો જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ક્રૂડ ઓઇલના એક ભાગ ડીએપીમાંથી અગરબત્તી, કપૂર, પરફયુમ સહિતનો સામાન તૈયાર કરવામાં આવતો હોય છે. આ રો-મટીરિયલ વિદેશથી આવતું હોવાના કારણે હાલમાં તેનો ભાવ નક્કી નથી. જો તેનો ઓર્ડર આપવામાં આવે તો ક્યારે આવશે તેની પણ કોઇને ખબર હોતી નથી. આ કારણોસર ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
