તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd April 2026
સુરત જિલ્લાના કામરેજના માંકણા ગામેથી ચોરાયેલું ટ્રેક્ટર મધ્યપ્રદેશથી ઝડપાયું
સુરત ગ્રામ્ય LCBએ અલીરાજપુરથી એક આરોપીને દબોચ્યો: સાગરીત ફરાર

સુરત જિલ્લાના કામરેજ તાલુકાનમાં માંકણા ગામેથી ચોરાયેલા ટ્રેક્ટર અને ટ્રોલીનો ભેદ સુરત ગ્રામ્ય LCB અને કામરેજ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે મધ્યપ્રદેશમાંથી ચોરીનો મુદ્દામાલ અને એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાગરીત ફરાર છે.
સુરત જિલ્લાના ગત 25 માર્ચ, 2026ના રોજ રાત્રિના સમયે કામરેજ તાલુકાના માંકણા ગામના પટેલ ફળિયામાંથી મહિન્દ્રા 475 યુવો ટેક પ્લસ મોડેલનું ટ્રેક્ટર (નં. GJ-05-RZ-8535) અને ટ્રોલી ચોરાઈ ગયા હતા. આ ચોરીનો કુલ મુદ્દામાલ રૂ.3,95,000નો હતો. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ચોરીનો ભેદ ઉકેલવા માટે LCB અને કામરેજ પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી દિલીપ કિરાડે તેના સાગરીત સાથે મળીને આ ચોરી કરી હતી અને તે ચોરાયેલા મુદ્દામાલ સાથે પોતાના વતન ભાગી ગયો હતો. ઉપરોક બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે દરોડા પાડ્યા હતા. ત્યાંથી મુખ્ય આરોપી દિલીપને ચોરાયેલા ટ્રેક્ટર અને ટ્રોલી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓએ ચોરી કરતા પહેલા વેગન-આર કારમાં રેકી કરી હતી.
ઝડપાયેલા આરોપીનું નામ દિલીપ ગુજા જવરસીંગ કિરાડ છે, જે કડોદરાનો રહેવાસી છે અને મૂળ મધ્યપ્રદેશનો છે. આ ગુનામાં ઇલુ છગન ઓહરીયા નામનો અન્ય એક આરોપી ફરાર છે. પોલીસે ચોરાયેલું ટ્રેક્ટર, ટ્રોલી અને ગુનામાં વપરાયેલી વેગન-આર કાર સહિત કુલ રૂ. 4,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કામરેજ પોલીસે ફરાર આરોપી ઇલુ છગન ઓહરીયાને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
