News of Friday, 3rd April 2026
ડાંગ એસપી પૂજા યાદવનું જનજાગૃતિ અભિયાન રંગ લાવ્યું : વઘઇમાં ટેસ્ટ ડ્રાઇવના બહાને વાહન ચોરતી આંતરરાજ્ય ટોળકીના બે સાગરીતોને જંગલમાંથી દબોચી લેવાયા
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને એસપી પૂજા યાદવની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ વઘઇ પીઆઈ વી.કે. ગઢવી, પી.ડી. ગોંડલીયા, પીએસઆઈ એસ.સી. ગામીત અને તેમની ટીમની સફળ કામગીરી : પકડાયેલા તસ્કરો પાસેથી બોલેરો પીકઅપ, મોટરસાયકલ અને ખેતીના સાધનો સહિત કુલ ૧૧.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત : છેલ્લા ચાર વર્ષથી ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં રેકી કરીને ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ કરતી ડાંગ પોલીસ

રાજકોટ: ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા શરૂ કરવામાં આવેલ 'પોલીસ મિત્ર' અને 'જન જાગૃતિ અભિયાન'ને મોટી સફળતા મળી છે. વઘઇ વિસ્તારમાં ટેસ્ટ ડ્રાઇવના બહાને અથવા રેકી કરીને વાહનો તેમજ ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગના બે સભ્યોને પોલીસે ત્રણ કલાકની જહેમત બાદ જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પીકઅપ વાન, મોટરસાયકલ અને ઇલેક્ટ્રિક વાયર સહિત લાખોનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
ચોરીની મોડસ ઓપરેન્ડી:
આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેઓ અલગ-અલગ વિસ્તારોમાં નવા કે સેકન્ડ હેન્ડ વાહનના શો-રૂમ પર જઈ ખરીદી કરવાનો ડોળ કરતા હતા. એજન્ટ કે સેલરનો વિશ્વાસ જીતી ટેસ્ટ ડ્રાઇવના બહાને વાહન લઈને નાસી જતા હતા. આ ઉપરાંત, જે વાહન માલિકો પોતાની ગાડી વેચવા માંગતા હોય તેમનો સંપર્ક કરી, વાહનની રેકી કરી રાત્રિના સમયે તેની ચોરી કરતા હતા. ખેતરો અને વાડીઓમાંથી સબમર્સીબલ પંપ, સ્ટાર્ટર અને ઇલેક્ટ્રિક વાયરોની ચોરીમાં પણ આ ટોળકી સક્રિય હતી.
પોલીસની સતર્કતા અને ટ્રેપ:
વઘઇ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલી પીકઅપ વાન ચોરીની ફરિયાદ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીએ તાત્કાલિક મેસેજ શેર કરી નાકાબંદી કરાવી હતી. એસપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ તમામ ચેકપોસ્ટ પર પેટ્રોલિંગ સઘન કરાયું હતું. દરમિયાન, એક પીકઅપ વાન જંગલમાં બંધ હાલતમાં મળી આવી હતી. વાનમાં ડીઝલ પૂરું થઈ ગયું હોવાથી તસ્કરો ડીઝલ લેવા ગયા હોવાનું જણાતા પોલીસે જંગલમાં ત્રણ કલાક સુધી વોચ ગોઠવી હતી. જેવા આરોપીઓ ડીઝલ લઈને આવ્યા કે તરત જ પોલીસે તેમને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ:
પોલીસે (૧) દેવીદાસ રામજયા ભોયે (રહે. મોટામાળગામ, નાસિક, મહારાષ્ટ્ર) અને (૨) મધુ રામજયા ભોયે (રહે. જામનવિહિર, ડાંગ) ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ ૧૧,૧૦,૯૯૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેમાં નીચેની વિગતો સામેલ છે:
* મહેન્દ્રા બોલેરો પીકઅપ (બે નંગ): કિંમત રૂ. ૯,૫૦,૦૦૦
* મોટરસાયકલ (ત્રણ નંગ): કિંમત રૂ. ૧,૧૮,૦૦૦
* સબમર્સીબલ પંપ અને સ્ટાર્ટર: કિંમત રૂ. ૨૦,૦૦૦
* ઇલેક્ટ્રિક વાયરના બંડલ (આઠ નંગ): કિંમત રૂ. ૨૨,૯૯૫
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને એસપી પૂજા યાદવની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ વઘઇ પીઆઈ વી.કે. ગઢવી, પી.ડી. ગોંડલીયા, પીએસઆઈ એસ.સી. ગામીત અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી છે. પકડાયેલા આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
