<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ભાજપમાં નવો પ્રયોગ : મહિલા મોરચા દ્વારા ઓટલા બેઠકો

રવિવારથી મોરચાના પ્રદેશ પ્રમુખ અંજુબેન વેકરિયાના માર્ગદર્શન હેઠળ પ્રારંભ : ત્રણ-ત્રણ મહિલાઓની ટીમ સરકારની સિદ્ધિઓ વર્ણવવા ઘરે-ઘરે જશે : દરેક ટીમ દ્વારા ૧૦૦ ઘરના સંપર્કનો લક્ષ્યાંક

રાજકોટ, તા. ૩ :  ગુજરાતમાં  તાલુકા જિલ્લા પંચાયતો અને નગરો તથા મહાનગરોની ચૂંટણી તા. ર૬ એપ્રિલ યોજાનાર છે તેને અનુલક્ષીને ભાજપના જુદા જુદા મોરચાઓ દ્વારા કાર્યક્રમો થઇ રહ્યા છે. રાજયમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ઓટલા બેઠક નામથી પ્રથમ વખત જનસંપર્કનો નૂતન પ્રયોગ થનાર છે. મોરચાના પ્રદેશ પ્રમુખ અંજુબેન વેકરિયાના માર્ગદર્શન હેઠળ મહિલાઓની ટુકડીઓ ઘરે-ઘરે જશે.  મહિલા મોરચાના પ્રમુખ તરીકે અંજુબેન આવ્‍યા પછી ચૂંટણીલક્ષી પ્રથમ રાજયવ્‍યાપી કાર્યક્રમ છે જેનો પ્રારંભ રવિવારથી થશે.

ભાજપના સંગઠનમાં મહિલા મોરચાની મહત્‍વની ભૂમિકા છે. ઓટલા બેઠક નામથી મહિલા મોરચાએ મહિલાઓના સંપર્કની યોજના બનાવી છે. તેનો પ્રારંભ પાર્ટીના સ્‍થાપના દિન ૬ એપ્રિલના પૂર્વ દિન તા. પ એપ્રિલથી થશે. ચૂંટણી સુધીમાં ઘર-ઘર સુધી પહોંચવાની નેમ છે. ભાજપની ત્રણ-ત્રણ મહિલાઓ ઘરે-ઘરે જઇ રાજય સરકાર અને કેન્‍દ્ર સરકારની મહિલાઓ સહિતના તમામ વર્ગને લાગુ પડતી યોજનાઓ સમજાવી કમળને મત આપવા અપીલ કરશે. દરેક ટીમને ૧૦૦-૧૦૦ ઘરના સંપર્કનો લક્ષ્યાંક આપવામાં આવ્‍યો છે. બુથવાઇઝ સંપર્ક ટીમ બનાવવામાં આવશે. મહિલાઓ સાથેના સંપર્ક વખતે ભાજપની મહિલાઓ સૂચનોને પણ આવકારશે. મહિલા ભાજપ દ્વારા આ કાર્યક્રમથી ભાજપ માટે લાભદાયી વ્‍યાપક જનસંપર્ક કરવામાં આવશે. 

(3:46 PM IST)