તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd April 2026
ભાજપનો કાર્યકર સત્તા માટે નહીં સેવા માટે કાર્યરત : જગદીશ વિશ્વકર્મા
કોંગ્રેસ પાસે કાર્યકરોને સાચવવાની તાકાત નથી : પંજાબના લોકોનો પૈસો ગુજરાતમાં વાપરવાની શું જરૂર : ભાજપ પ્રદેશ પ્રમુખની ખુલ્લા મને વાતચિત : ચૂંટણીમાં ઉમેદવાર માટે ભાજપની પસંદગી પ્રક્રિયા પારદર્શક : કોઇપણ કાર્યકર નિરિક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી શકે છે : પેનલ બનાવી ચુંટણી સમિતિ સમક્ષ નામ મુકવામાં આવે છે

રાજકોટ, તા. ૩ : ગુજરાતમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ તા. ર૬ એપ્રિલના રોજ યોજાવાની છે અને તા. ર૮ ના રોજ મતગણતરી યોજાશે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માનો ન્યુઝ રૂમ ગુજરાતના સુત્રોધારો શ્રી દિક્ષીત ઠકરાર અને શ્રી કિશન કાંટેલીયા દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં તેમણે વિપક્ષ, વિકાસ, પાર્ટી કાર્યકર, ટિકીટ ફાળવણી તથા પોતાની રાજકીય કારકીર્દી અંગે ખુલીને વાત કરી હતી.
આગામી ચુંટણીઓ અંગે વિશ્વકર્માજીએ જણાવેલ કે, અમારો બુથનો કાર્યકર ફકત ચૂંટણી સમયે નહીં પણ હર હંમેશ તૈયાર હોય છે. માઇક્રોપ્લાનીંગથી લઇને મતદાન સુધીની બુથ લેવલની તૈયારી કાર્યકર કરતા હોય છે. અમારો કાર્યકર હંમેશા લોકો વચ્ચે રહેનાર કાર્યકર છે. તે સત્તા માટે નહીં પણ સેવા માટે કાર્યરત રહે છે. ચૂંટણીમાં દરેક પરિવારનો સર્વાગી વિકાસ એ જ અમારો મુદ્દો છે.
જગદીશભાઇએ ટિકીટ ફાળવણી અંગે જણાવેલ કે, આખા ગુજરાતમાં ૯૮૦૦ જેટલી સ્થાનીક સ્વરાજયની બેઠકો માટે ઉમેદવાર ઉભા રાખવા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રદેશમાંથી નિરિક્ષકોને મોકલવામાં આવે છે અને તેમની સમક્ષ કોઇપણ કાર્યકરને પોતાના બાયોડેટા સાથે રજુઆત કરવા ખુલ્લુ આમંત્રણ હોય છે.
સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો સાથે ઝોન પ્રભારી સહિતના આગેવાનો બેસી પેનલ તૈયાર કરે છે. ત્યારબાદ નાસોની પેનલને ચૂંટણી સમિતિ સમક્ષ મુકવામાં આવે છે. જેમાં નિરીક્ષકો અને પ્રમુખ પોતાની રજુઆત કરી જીતાડવાનો કોલ આપે છે.
પોતાની રાજકીય કારકિર્દી અંગે વિશ્વ કર્માજીએ જણાવેલ કે, હું જયારે ૧૬-૧૭ વર્ષનો હતો ત્યારથી બુથ ટેબલ ઉપર કામ કરતો આવ્યો છું. ઠક્કરનગર બુથમાં પ્રમુખ તરીકે કાર્ય કરેલ. મતદારોને મતદાન મથક સુધી લઇ જવા થાળી-ચમચી પણ વગાડી છે અને આજે પાર્ટીએ પ્રદેશ પ્રમુખ-ધારાસભ્ય તરીકે જવાબદારી સોંપી છે.
ભાજપના જુથવાદ અંગે જણાવેલ કે, પાર્ટી પરિવાર ખુબ મોટો છે. જેમ પરિવારમાં કોઇ સભ્યની મુશ્કેલી વડીલ સાંભળે છે, તેવી જ રીતે પાર્ટીમાં પણ અમારે અમારા કાર્યકર્તાઓને સાંભળવાના હોય છે. અમે તેને જુથવાદ નહીં પણ ચર્ચા કરી ગણીએ છીએ.
રાષ્ટ્રીય રાજનીતિ અંગે તેમણે જણાવેલ કે આખા દેશમાં ફકત બે જ પક્ષ ચાલુ છે, કોંગ્રેસ અને ભાજપ આપને ગુજરાતમાં દિલ્હીની જેમ જાકારો મળ્યો છે. પંજાબમાં પ્રજા થું-થું કરી રહી છે. અહીં એકાદ બેઠક મળી હોય તો પણ તે વ્યકિત અન્ય બેઠક ગોતવા લાગે છે.
ગુજરાતની પ્રજા લોભ-લાલચમાં ભોળવાઇ તેવી નથી. દિલ્હીમાં કેમ મફત ન આપ્યું ? આપ્યું હોત તો સરકાર ન જાત. પંજાબના લોકોની કમાણીના પૈસા ગુજરાતમાં વાપરવાની શું જરૂર છે. ગુજરાતી લોકો બહુરૂપીયાઓને સાથ નહીં આપે. પ્રજાનું હિત ભારતીય જનતા પાર્ટીમાં હોવાનું પણ વિશ્વકર્માજીએ જણાવ્યું હતું.
તેમણે કોંગ્રેસ ઉપર તડાપીત કરતા જણાવેલ કે, આક્ષેપો કરનાર કોંગ્રેસ અતિવૃષ્ટિી સમયે મુખ્યમંત્રી સહિતનું મંત્રી મંડળ પ્રજા વચ્ચે હતુ ત્યારે તેઓ કયાં હતાં. રાજય સરકાર દ્વારા નુકશાની અંગે ૧૧ હજાર કરોડનું પેકેજ પણ તુરંત જાહેર કરાયું હતું.
કોંગ્રેસ દ્વારા ચૂંટણી વખતે કરવામાં આવતા સરકારી મશીનરીના ઉપયોગ અંગે તેમણે જણાવેલ કે ર૦ર૪ માં પોતાની બેઠકો વધી ત્યારે નહીં અને કર્ણાકટમાં સરકાર બની ત્યારે પણ કેમ આક્ષેપ કર્યા નહીં. શું આખી જીંદગી આક્ષેપો જ કરવાના. તમે જીતો ત્યારે કેમ નથી કરતા ?
તેમણે કોંગ્રેસ પાસે વિઝનરી નેતા જ હોવાનું જણાવી ઉમેરેલ કે, ૧૦૮૦૦ જેટલા ઉમેદવારો છે પણ તેટલા કાર્યકરો નથી. મોટા નેતાની સભામાં પણ ખુરશીઓ ખાલી રહે છે જયારે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી કાર્યકરોની ફૌજના કારણે જ બની છે.
આદિવાસી અને છેવાડાના વિસ્તારોમાં કામગીરી અંગે તેમણે જણાવેલ કે, કોંગ્રેસે આઝાદી વખતથી સત્તામાં રહેલ. તેમણે આટલા વર્ષોમાં શું કર્યુ ? જયારે ભાજપનો ગ્રાફ જોશો તો તમને ખ્યાલ આવશે કે તે કેટલો ઉંચો છે. મારે આ વિસ્તારોમાં મુલાકાત દરમિયાન સ્થાનીકોને ત્યાં ભોજન લેવા જવાનું પણ બને છે, ત્યારે આ લોકોને સીધો લભ મળતો થવાથી નરેન્દ્રભાઇએ ખુબ જ માને છે.
સૌરાષ્ટ્રમાંથી પાર્ટીમાં નેતાગીરી ન હોવાના સવાલમાં તેમણે જણાવેલ કે, અમારી પાસે મનસખુભાઇ માંડવીયા, પ્રધ્યુમનભાઇ વાંજા, અર્જુનભાઇ મોઢવાડીયા, જીતુભાઇ વાધાણી, કૌશીકભાઇ વેકરીયા, રીવાબા જાડેજા સહિતના આગેવાનો સૌરાષ્ટ્રના જ છે અને તેઓ કેન્દ્ર તથા રાજય સરકામાં જવાબદારી સંભાળી રહ્યા છે.
અંતમાં તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નેતાઓ અંગે જણાવેલ કે, ભાજપ રાષ્ટ્ર દ્વારાને વરેલી પાર્ટી છે, જેમાં રાષ્ટ્રધારાને વરેલા કોઇપણ વ્યકિત સાકરની જેમ ભળી જાય છે. કોંગ્રેસમાં કાર્યકરને સાચવવાની તાકાત નથી એટલે જ તેઓ અમારી સાથે જોડાય છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
