News of Friday, 3rd April 2026
સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર:બગદાણા પ્રકરણ બાદ કોળી અગ્રણી નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા

અમદાવાદ :રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લાના કોળી સમાજના સામાજિક આગેવાન અને બગદાણા કેસના પીડિત નવનીત બાલધિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
રાજકીય વિશ્લેષકોના મતે, ભાવનગર અને અમરેલી પટ્ટામાં કોળી સમાજનું પ્રભુત્વ નિર્ણાયક હોય છે. નવનીત બાલધિયા જેવા સક્રિય સામાજિક આગેવાનના કોંગ્રેસમાં જોડાવવાથી આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે. અમિત ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં સામાજિક આગેવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે. નવનીત બાલધિયાના જોડાવાથી સંગઠન વધુ મજબૂત બનશે.
બીજી તરફ, કોંગ્રેસમાં જોડાયા બાદ નવનીત બાલધીયાએ જણાવ્યું હતું કે સમાજના લોકો સાથે હું કોંગ્રેસમાં જોડાયો છું. ચૂંટણી લડાવાની ઈચ્છાથી નહીં પણ સમાજ માટે જોડાયો છું. સમાજના આગેવાન કહેશે તો હું ચૂંટણી લડીશ. આગામી દિવસોમાં તેઓ ભાવનગર જિલ્લામાં ગામેગામ ફરીને કોંગ્રેસનો પ્રચાર કરશે. આ ભરતી મેળાથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
