<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી : આમ આદમી પાર્ટીએ ૨૫૦૦થી વધુ ઉમેદવારોની બીજી યાદી સાથે રાજકીય રણશિંગું ફૂંક્યું

પ્રસ્થાપિત રાજકારણના સમીકરણો બદલવા 'આપ'નો દાવ : મનોજ સોરઠિયાએ સામાન્ય વર્ગના લોકો અને યુવાનોને ચૂંટણી મેદાનમાં ઉતારી ભાજપ સામે સીધો જંગ છેડ્યો

અમદાવાદ:ગુજરાતમાં તોળાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ થયો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કરતા ૨૫૦૦થી વધુ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પક્ષે આ વખતે પરંપરાગત રાજકારણથી હટીને સામાન્ય ઘરના યુવાનો અને જનતાના પ્રશ્નો માટે લડતા ચહેરાઓને પ્રાધાન્ય આપીને સત્તાધારી પક્ષ ભાજપ સામે મજબૂત મોરચો માંડ્યો છે.

સામાન્ય નાગરિકોને રાજકીય મંચ પૂરો પાડ્યો:
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પક્ષ હંમેશા 'કામની રાજનીતિ'માં વિશ્વાસ ધરાવે છે. અત્યાર સુધી જેમને મુખ્યધારાના રાજકારણમાં અવગણવામાં આવ્યા હતા, તેવા સામાન્ય નાગરિકો, શિક્ષિત યુવાનો અને વિવિધ સમાજના વડીલોને 'આપ' દ્વારા ગર્વભેર ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં મહિલા શક્તિને પણ વિશેષ સ્થાન આપીને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિર્ણાયક લડાઈની તૈયારી:
મનોજ સોરઠિયાએ વધુમાં આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, આ તમામ ૨૫૦૦થી વધુ ઉમેદવારો ગુજરાતમાં ફેલાયેલા કથિત ભ્રષ્ટાચાર, લૂંટ અને સત્તાધારી પક્ષના અત્યાચાર સામે અવાજ ઉઠાવશે. જનતાના પાયાના અધિકારો અને સુવિધાઓ માટે આ ઉમેદવારો છેવાડાના માનવી સુધી પહોંચશે. પક્ષનો દાવો છે કે આ ઉમેદવારો માત્ર ચૂંટણી લડવા માટે નહીં પણ પારદર્શક વહીવટ સ્થાપિત કરવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતર્યા છે.

ચૂંટણી મેદાનમાં પક્ષની પકડ મજબૂત:
આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ 'આપ'ના કાર્યકરોમાં નવો જોમ જોવા મળી રહ્યો છે. હવે આ ઉમેદવારો પોતપોતાના મતક્ષેત્રોમાં જઈને પક્ષની વિચારધારા અને આગામી રોડમેપ વિશે જનતાને માહિતગાર કરશે. બીજી યાદી જાહેર થવાથી ચૂંટણી પ્રચારમાં ગતિ આવશે અને આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ત્રિપાંખિયો જંગ વધુ રોમાંચક બને તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે.

(10:58 PM IST)