<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ઉમેદવારોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક આજે CMના નિવાસસ્‍થાને યોજાશે

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીના આખરી ક્રાયટેરીયા બોર્ડની બેઠકમાં નક્કી થશે : અમદાવાદ મહાનગરમાં ૫૦૦૦ જેટલા દાવેદારો, ટિકિટવાંચ્‍છુઓના ફોર્મ સાથે સેન્‍સ લેવાની પ્રક્રિયા પૂરી

અમદાવાદ,તા.૦૪: ભારતીય જનતા પાર્ટીએ આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના બીજા ચરણની શરૂઆત આજે બપોર પછી હાથ ધરવાનું નક્કી કર્યું છે. પક્ષે આ ચૂંટણીમાં નવા, યુવા, શિક્ષિત મહિલા ઉમેદવારોની સાથે સામાજિક સમીકરણોને ગણતરીમાં લઈને ચહેરા પસંદ કરવાની દિશામાં આગળ વધશે, પરંતુ અધિકૃત ધારાધોરણો શનિવારે મુખ્‍યમંત્રી નિવાસ, ગાંધીનગર ખાતે શરૂ થનારી પ્રદેશ પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠકમાં પ્રદેશના આગેવાનો ચર્ચા કરીને જાહેર કરી શકે છે. આ બેઠકમાં નગરપાલિકાઓ, તાલુકા, જિલ્‍લા અને મહાનગરો માટેના ઉમેદવારો અંગે તબક્કાવાર ચર્ચા કરાશે. ૮થી ૧૦ એપ્રિલ દરમિયાન પક્ષ તમામ ઉમેદવારો જાહેર કરી દેવાની ગણતરી સાથે ચાલી રહી છે. ૧૧ એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્‍લો દિવસ છે.

રાજ્‍યની નવરચિત સહિત કુલ ૧૫ મહાનગરો, ૮૪ પાલિકા, ૨૬૦ તાલુકા અને ૩૪ જિલ્‍લા પંચાયતો માટે દસ હજાર ચહેરા પસંદગી કરવા માટે રાજ્‍યભરમાં ત્રણ દિવસથી ચાલતી નિરીક્ષકો દ્વારા સેન્‍સ લેવાની પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ છે. અમદાવાદ મહાનગરના ૪૮ વોર્ડ માટે સરેરાશ ૪૮૦૦થી ૫૦૦૦ જેટલા દાવેદારો, ટિકિટવાંચ્‍છુઓ દ્વારા ફોર્મ નિરીક્ષકોને સુપરત થયા હોવાની વિગતો જાણવા મળી છે. આ વખતે ૨૭ટકા ઓબીસી અનામત અને મહિલા અનામતના કારણે ઘણી સામાન્‍ય બેઠકો પર પણ આવા ઉમેદવારોએ પોતાના દાવા રજૂ કર્યા છે. આ સંજોગોમાં નિરીક્ષકો સંબંધિત મહાનગરો સહિતના સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થામાં આવતા સંગઠનના આગેવાનો સાથે પણ બેઠક યોજશે. આ બેઠકમાં આવેલા બાયોટેડાને શોર્ટલિસ્‍ટ કરી ક્રમાનુસાર ગોઠવીને પાર્લામેન્‍ટરી બોર્ડ સમક્ષ જ્‍યારે સૂચના મળેત્‍યારે રજૂ કરશે.

શનિવારે સવારે ઉમરેઠ વિધાનસભાની ૨૩ એપ્રિલના રોજ યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર ફોર્મ ભરવાના છે આ નિમિત્તે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને અન્‍ય આગેવાનો ઉપસ્‍થિત રહેવાના છે. મુખ્‍યમંત્રી ઉમરેઠથી ગાંધીનગર પરત ફરે એ પછી પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક શરૂ થશે. સ્‍વ ધારાસભ્‍ય ગોવિગ પરમારના પુત્રને જ ભાજપે ટિકિટ આપી છે. આ બેઠકમાં વિશેષ આમંત્રિત અને આમંત્રિત સભ્‍યો હાજર રહેશે કેમ તેના અંગે હજુ કોઈ જાણકારી મળી નથી. 

ભાજપ લઘુમતી સમાજને ટિકિટ આપશે

ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂરી થવા આવી એ સમયે જ તેના પ્રદેશ લઘુમતી મોરચાના પદાધિકારીઓની જાહેરાત કરી છે. જોકે, ભાજપ સૌરાષ્ટ્ર અને મધ્‍ય ગુજરાતની કેટલીક સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં લઘુમતી સમાજ, ખાસ કરીને મુસ્‍લીમ સમાજમાંથી ઉમેદવારોને ટિકિટ આપી શકે છે. ૨૦૨૧માં ભાજપે ૧૦૦થી વધુ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

(10:19 AM IST)