<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

રાજકીય પક્ષોએ ચૂંટણીમાં બાટલો અને ગેસસ્‍ટવ સહિતના પ્રતિક રાખ્‍યા

ગેસ સિલિન્‍ડરના કકળાટ વચ્‍ચે : ગુજરાત રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચુંટણીઓ માટે નવા પ્રતિકો જાહેર : લેપટોપ, ટાયર, ડોલ, ભાલાફેંક, નાગરિક, ગન્ના કિસાન, વાયોલિન, ટ્રમ્‍પેટ, ઘંટી, ટુથબ્રશ, બેટ, હાથબતી, ખાટલો, કોમ્‍પ્‍યુટર, ઓટોરિક્ષા, હિરો, દફતર, સીટી સહિતના રસપ્રદ ચિન્‍હો

અમદાવાદ,તા.૦૪: રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચુંટણીઓમાં ગેસ સિલિન્‍ડરનો મુદ્દો વ્‍યાપક ચર્ચામાં છે, ત્‍યારે રાજકીય પાર્ટીઓએ ગેસ સિલિન્‍ડરના કકળાટ વચ્‍ચે ચુંટણીમાં બાટલો, ગેસસ્‍ટવ, લેપટોપ, ટાયર, ડોલ, ભાલાફેંક, નાગરિક, ગન્ના કિસાન, વાયોલિન, ટ્રમ્‍પેટ, ઘંટી, ટુથબશ, બેટ, હાથબતી, ખાટલો, કોમ્‍પ્‍યુટર, ઓટોરિક્ષા, હિરો, દફતર, સીટી સહિતના ચિન્‍હો રાખ્‍યા છે. ગુજરાત રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની આગામી ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને રાજકીય પક્ષોની નોંધણી અને પ્રતીક ફાળવણી અંગેનો નવો આદેશ બહાર પાડવામાં આવ્‍યો છે. આયોગે બહાર પડેલા આ આદેશ મુજબ,રાજ્‍યમાં કાર્યરત વિવિધ રાજકીય પક્ષોને માન્‍ય,અમાન્‍ય અને ડિલિસ્‍ટ એમ અલગ-અલગ પાની દુર શ્રેણીઓમાં વિભાજિત કરી તેમને ફાળવવામાં આવેલા પ્રતીકોની યાદી નવેસરથી નક્કી કરવામાં આવી છે. ૧૪ માન્‍ય અને પ૫ અમાન્‍ય રાજકીય પક્ષોની યાદી સાથે નવું પરિશિષ્ટ પ્રસિદ્ધ કરાયું છે. અપક્ષ ઉમેદવારો માટે ૧૨૨ જેટલા મુક્‍ત પ્રતીકોનો વિકલ્‍પ ઉપલબ્‍ધ રહેશે. આદેશના પરિશિષ્ટ-૧ મુજબ ૧૪ જેટલા માન્‍ય પક્ષો તરીકે જાહેર કરીને તેમના કમળ, હાથ, ઝાડુ, હાથી, કણસલાં-તારો, સાયકલ, તીર, માથા ઉપર દાંતરડું ઘડિયાળ, હથોડો-દાંતરડું-ડાંગર લઇ જતી ખેડૂત સ્‍ત્રી, પતંગ, ભુંગળ વગાડતો માણસ અને હોકી-દળોના ચિન્‍હો અનામત રાખવામાં આવ્‍યા છે. જયારે પરિશિષ્ટ-૨ માં ૫૫ જેટલા અમાન્‍ય રાજકીય પક્ષોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ પક્ષોને પણ ટેલિફોન,ગેસ સિલિન્‍ડર,બેટ અને સીટી જેવા પ્રતીકો ફાળવવામાં આવ્‍યા છે. આ નવા આદેશથી હવે સ્‍થાનિક ચૂંટણીઓમાં પ્રતીક ફાળવણીની પ્રક્રિયા વધુ સ્‍પષ્ટ બનશે.

 અપક્ષ ઉમેદવારોના ચિન્‍હો તરીકે રોજિદા વપરાશની ચીજ વસ્‍તુઓ

કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા ન હોય તેવા અપક્ષ કે હરીફ ઉમેદવારો માટે આયોગે પરિશિષ્ટ-૩ માં ૧૨૨ મુક્‍ત પ્રતીકોની યાદીમાં શિમલામીર્ચ, કારપેટ, કેરમ બોર્ડ, કોબી ફલાવર, વેલણ પાટલી, આદુ, ગળણી, દરવાજાનું હેન્‍ડલ, ડોરબેલ, ડોલી, ડિઝલ પમ્‍પ, ડીશ એન્‍ટેના, યમીની, કલીપ, કોટ, ચંપલની જોડી, બરબીડીયું, ફુવારો, ફ્રોક, ગીફટ પેક, કાચનો ગ્‍લાસ, એરકંડીશનર, સાયકલ પમ્‍પ, બિસ્‍કીટ અને કેલ્‍ક્‍યુલેટર જેવા રોજિદા જીવનમાં વપરાતી વસ્‍તુઓનો સમાવેશ થાય છે.

(10:19 AM IST)