News of Saturday, 4th April 2026
ત્રણ ટર્મ લડનારા કોર્પોરેટરો, ૬૦ વર્ષથી વધુના દાવેદારોને ટિકિટ નહીં મળી શકે
ભાજપમાં ચૂંટણીના ક્રાઇટેરિયાથી અનેકના અરમાનો પર પાણી ફેરવ્યું : ટિકિટ માટે અન્ય જવાબદારી છોડવી પડશે, પદાધિકારી દાવેદારી કરી શકશે

અમદાવાદ,તા.૦૪: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે ત્યારે નેતા, સંગઠન હોદ્દેદારો, કાર્યકરોમાં નવા કાઇટેરિયાને લઈને ચૂંટણી પહેલા ચર્ચાનું મોજું ફળી વળ્યું છે. સુરત મહાનગરમાં ત્રણ દિવસીય પસંદગી પ્રક્રિયા પૂરી થઈ છે. તે સાથે જ ઉમેદવારીના ધારાધોરણો અથવા કાઇટેરિયાની ચર્ચાએ ભારે ઉહાપોહ મચાવ્યો છે. ખાસ કરીને ત્રણ ટર્મ લડનારા કોર્પોરેટરો, ૬૦ વર્ષથી વધુના દાવેદારોને ટિકિટ ન આપવાના નવા સમીકરણોને કારણે અનેકના અરમાનો પર પાણી ફરી વળે એમ છે. આ સિવાય એક વ્યક્તિ એક પદ પર પણ ભાર મૂકાયો હોય અનેકની ચિતા વધી ગઇ છે.
ભાજપમાં પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી તે પહેલાથી જ ક્રાઇટેરિયાને લઈને તરેહતરેહની ચર્ચા, તર્કવિતર્કનો દૌર જોવા મળ્યો હતો. દરમિયાન શુક્રવારે ચિત્ર વધુ સ્પષ્ટ થતાં દાવેદારી કરનારા કેટલાકનું મોટું પડી ગયું હતું. તો કેટલાકના ચહેરા પર લાલી દેખાઈ હતી. શુક્રવારે પસંદગી પ્રક્રિયાના અંતિમ દિવસે ભાજપ કાર્યાલય પર દાવેદારોના નામ કરતા ક્રાઇટેરિયાની ચર્ચા વધુ જોરશોરમાં ચાલી હતી. ચર્ચા મુજબ, જો કાર્યકર્તાને ટિકિટ મળે તો મંડળ, જીલ્લા-મહાનગર કે પ્રદેશ સ્તરની જવાબદારી હોય તો રાજીનામું લઇ લેવાશે. એટલે કે એક વ્યક્તિ-એક પદ પર ભાર મૂકવામાં આવ્યો છે. ૬૦ વર્ષ કરતા વધુની વયના કાર્યકરો દાવેદારી કરી શકશે નહીં. અલબત્ત, સુરત પાલિકામાં ૧૨૦ બેઠકો પર દાવેદારી કરનારાઓમાંથી સંખ્યાબંધ ૬૦ વર્ષથી વધુ વયના હોવાનું નોંધાયું છે. આ તમામને ટિકિટમાં પ્રાધાન્ય ન અપાઈ એવા સંયોગ ઊભા થયા છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
