સુરત રેલવે સ્ટેશન પર મોત સાથે જંગ : રેલવે આઈજી કે.એન.ડામોરના ચુસ્ત બંદોબસ્તની સૂચના વચ્ચે પોલીસ જવાનની સતર્કતાથી ટ્રેન નીચે ફસાયેલા મુસાફરનો ચમત્કારિક બચાવ
ડીજીપી ડો. કે.એન. રાવના માર્ગદર્શનમાં એસપી અભય સોનીના આદેશથી ગોઠવાયેલ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રંગ લાવ્યું : અજમેર સ્પેશિયલ ટ્રેન નીચે અડધી મિનિટ સુધી ફસાયેલા યુવકને પીઆઈ જે.બી. મીઠાપરાની ટીમે મોતના મુખમાંથી ખેંચી કાઢ્યો

રાજકોટ: ઉનાળુ વેકેશનના પ્રારંભે રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત રેલવે પોલીસ દ્વારા મુસાફરોની સુરક્ષા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે. રેલવે ડીજીપી ડો. કે.એન. રાવના સીધા માર્ગદર્શન હેઠળ રેલવે આઈજી કે.એન. ડામોર દ્વારા ઉનાળુ વેકેશનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક બંદોબસ્તના નિર્દેશ અપાયા હતા. આ આદેશ અન્વયે એસપી બરોડા અભય સોનીએ તમામ રેલવે સ્ટેશનો પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગોઠવ્યું હતું, જેના પરિણામે આજે સુરત રેલવે સ્ટેશન પર એક મુસાફરને નવજીવન મળ્યું છે.
સીસીટીવીમાં કેદ થઈ હૃદયદ્રાવક ઘટના:
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી જ્યારે ટ્રેન નંબર ૦૯૬૨૮ અજમેર સ્પેશિયલ ફેર એક્સપ્રેસ રવાના થઈ રહી હતી, ત્યારે એક મુસાફરે ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સંતુલન ગુમાવવાને કારણે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબક્યો હતો. ટ્રેન ચાલુ હોવાથી લગભગ અડધી મિનિટ સુધી ટ્રેન તેની ઉપરથી પસાર થતી રહી હતી. આ ભયાનક દ્રશ્યો જોઈ પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં ભારે ફફડાટ અને કંપારી છૂટી ગઈ હતી. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પોલીસની સ્ફૂર્તિ અને બહાદુરી:
પ્લેટફોર્મ પર ફરજ બજાવતી સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમના જવાનોની નજર આ દુર્ઘટના પર પડતા જ તેઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અત્યંત સ્ફૂર્તિ બતાવી હતી. પોલીસ જવાનોએ તાત્કાલિક સિગ્નલ આપી ટ્રેન ઉભી રખાવી દીધી હતી. ટ્રેન થોભ્યા બાદ નીચે ફસાયેલા યુવકને અત્યંત સાવચેતીપૂર્વક લોખંડના વ્હીલ વચ્ચેથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. મોતને નજર સામે જોઈ ચૂકેલા યુવકનો આ ચમત્કારિક બચાવ જોઈ ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી.
પોલીસનો માનવીય અભિગમ:
મોતના મુખમાંથી બહાર આવેલા યુવકની હાલત અત્યંત ગંભીર હતી અને તે અતિશય ગભરાઈ ગયો હતો. સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. મીઠાપરા અને તેમની ટીમે તાત્કાલિક માનવીય અભિગમ અપનાવી યુવકને શાંત કર્યો હતો અને સાંત્વના આપી હતી. પ્રાથમિક તપાસમાં મુસાફરને કોઈ ગંભીર ઈજા ન જણાતા અને તે સુરક્ષિત હોવાનું માલૂમ પડતા તેને તે જ ટ્રેનમાં બેસાડી આગળ રવાના કરવામાં આવ્યો હતો. રેલવેના ઉચ્ચ અધિકારીઓના સચોટ બંદોબસ્ત અને ગ્રાઉન્ડ લેવલ પર તૈનાત જવાનોની સતર્કતાને કારણે આજે એક મોટી જાનહાનિ ટળી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
