<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

પુનઃલગ્નની ઘેલછામાં બાલાસિનોરનો યુવક 'લૂંટારી દુલ્હન' ગેંગનો શિકાર : દોઢ મહિનાના સંસાર બાદ નવવધૂ ૨.૫૦ લાખ લઈ રફુચક્કર

​પગફેરાના રિવાજના નામે છેતરપિંડીનો ખેલ : રાજસ્થાનની યુવતી અને વચેટિયાઓએ મળીને આચર્યું કૌભાંડ : સાસરી પક્ષે યુવકને જેલ ભેગા કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

 

બાલાસિનોર: સંસાર માંડવાના સપના જ્યારે કાયદાકીય લડતમાં ફેરવાઈ જાય ત્યારે કેવી સ્થિતિ સર્જાય, તેનો જીવતો જાગતો કિસ્સો મહીસાગરના બાવલા ગામે જોવા મળ્યો છે. પુનઃલગ્નની ઉતાવળમાં એક યુવક આંતરરાજ્ય 'લૂંટરી દુલ્હન' ગેંગની જાળમાં એવો ફસાયો કે તેણે ૨.૫૦ લાખ રૂપિયાની સાથે શાંતિ પણ ગુમાવી છે.
પ્રેમની જાળ અને રિવાજનો ઓથાર
કહેવાય છે કે લગ્ન એ સાત જન્મોનો સાથ છે, પણ અહીં તો માત્ર દોઢ મહિનામાં જ 'સાથ' છૂટી ગયો. બાવલા ગામના રંગીતભાઈ પરમારને ફરી ઘર વસાવવાની ઈચ્છા હતી, જેનો ફાયદો વચેટિયાઓએ ઉઠાવ્યો. રાજસ્થાનની રેણુકા નામની યુવતી સાથે લગ્ન કરાવવા માટે ૨.૫૦ લાખ રૂપિયાનો સોદો થયો. ૧લી ડિસેમ્બરના રોજ શરણાઈઓ વાગી, લગ્ન થયા અને નવી વહુ ઘરે આવી. દોઢ મહિના સુધી બધું જ સામાન્ય લાગતું હતું, પણ ગેંગનો અસલી પ્લાન તો હવે શરૂ થવાનો હતો.
'પગફેરા'ના બહાને લાખોની છેતરપિંડી
જ્યારે વચેટિયાઓએ 'પગફેરા'ના રિવાજની વાત કરી, ત્યારે પરિવારને જરાય અંદાજો નહોતો કે આ વહુની છેલ્લી વિદાય હશે. રિવાજના નામે રેણુકાને પિયર મોકલવામાં આવી અને પછી તે ક્યારેય પરત ફરી જ નહીં. સાસરી પક્ષે જ્યારે પોતાની વહુની પૃચ્છા કરી, ત્યારે વચેટિયાઓએ અસલી રંગ બતાવ્યો. પત્ની મોકલવાને બદલે યુવકને જ ખોટા કેસમાં ફસાવી જેલ ભેગા કરવાની ધમકીઓ મળવા લાગી.
પોલીસ ફરિયાદ અને તપાસનો ધમધમાટ
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ રંગીતભાઈએ હિંમત હાર્યા વગર બાલાસિનોર પોલીસ મથકનો દરવાજો ખટખટાવ્યો છે. પોલીસે:
 * રેણુકા (લૂંટરી દુલ્હન)
 * ભાથીભાઈ પરમાર
 * દશરથભાઈ
 * ગીતાબેન ચૌહાણ
સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના લગ્નવાંછુક યુવાનો માટે એક લાલબત્તી સમાન છે કે અજાણ્યા વચેટિયાઓ અને લાલચમાં આવીને લગ્નનો નિર્ણય લેવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે.

(11:37 AM IST)