<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ઇલેકશન માટે સિલેકશનઃ ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠકોનો દોર

આજ વગડાવો, વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ, પસંદગીકારો લઇને બેઠા તોલ, પસંદગી કરશે અનમોલ : તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે બોર્ડના ગ્રુપ મળશેઃ જિલ્લા પંચાયતો અને મહાનગરોની સુનાવણી આખા બોર્ડ સમક્ષઃ રાજકોટ જિલ્લાની પંચાયતો માટે કાલે પ્રક્રિયા

રાજકોટ, તા. ૪: ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયતો અને નગરો તથા મહાનગરોમાં ૧૦ હજાર જેટલા ઉમેદવારો પસંદ કરવા આજથી ભાજપ સંસદીય બોર્ડ (ચૂંટણી) સમિતિની બેઠકોનો દોર પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકમાંની અધ્‍યક્ષતામાં શરૂ થઇ રહયો છે. સૌરાષ્‍ટ્રના મોટા ભાગના શહેર-જિલ્લાઓની સુનાવણી પ્રથમ બે દિવસમાં પૂર્ણ થઇ જશે. નિરીક્ષકો અને સંગઠન તથા સરકારના પ્રભારી સાથે સંકલન બેઠક થયા બાદ પાલામેન્‍ટરી બોર્ડ સમક્ષ રજુઆત થશે તા. ૧૧ મી એ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. તા. ૧૦ સુધીમાં તબકકાવાર ઉમેદવારોના નામ જાહેર થશે. ચૂંટણી સમિતિની બેઠકો સળંગ ચાર-પાંચ દિવસ મળશે પ્રદેશ કાર્યાલય અને મંત્રીયોના નિવાસ સ્‍થાને ખાતે સ્‍થાનિક અગ્રણીઓને બોલાવવામાં આવી રહયા છે.

રાજકોટ જિલ્લાની તાલુકા પંચાયતો માટે આજે સેકસન બેઠક અને કાલે પાલામેન્‍ટરી બોર્ડ સામે બેઠકો થશે.

૧૯ સભ્‍યોના પાર્લામેન્‍ટરી બોર્ડના ત્રણ-ચાર અલગ-અલગ ગ્રુપ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે સ્‍થાનિક અપેક્ષિત અગ્રણીઓને સાંભળીને પસંદગીને આખરી ઓપ આપશે. ૧પ મહાનગરો અને ૩૪ જિલ્લા પંચાયતોમાં ઉમેદવારો પસંદ કરવા આખા પાર્લામેન્‍ટરી બોર્ડ સમક્ષ સુનાવણી થશે. પાર્ટીના નિયત માપદંડોનાં આધારે પસંદગી પ્રક્રિયા થશે. ટીકીટ મેળવવા માટે દાવેદારોએ સબંધિત નેતાઓ સમક્ષ ભલામણોનો ધોધ લહેરાવ્‍યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાર્લામેન્‍ટરી બોર્ડમાં શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, શ્રી જગદીશ  વિશ્વકર્મા, શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી રત્‍નાકરજી, શ્રી નિતિનભાઇ પટેલ, શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, ડો. પ્રદ્યુમનભાઇ વાજા, શ્રીમતી દર્શનાબેન જરદોશ, શ્રી બાબુભાઇ બોખીરીયા, શ્રી રાજેશભાઇ ચુડાસમા, શ્રી નટુજી ઠાકોર, શ્રી ગણપતસિંહ વસાવા, શ્રીમતી અંજુબેન વેકરીયા, શ્રી સી.આર. પાટીલ, શ્રી પરશોત્તમભાઇ રૂપાલા, શ્રી આર.સી. ફળદુ, શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રીમતી જયશ્રીબેન પટેલ અને શ્રીમતી વર્ષાબેન દોશી સમાવેશ થાય છે.

(12:53 PM IST)