હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાબરકાંઠાના મુડેટીમાં વૈદિક પરંપરાના જતન માટે ‘નૂતન સંકુલ’નું લોકાર્પણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિ-દિવસીય સમારોહનો પ્રારંભ
શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની નિશ્રામાં ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન : ભારતની અનાદિકાળની જ્ઞાનગંગાને નવી દિશા આપતું આ મહાવિદ્યાલય રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહકો તૈયાર કરશે

મુડેટી: સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક અને શૈક્ષણિક ચેતનાના સંગમ સમાન ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના ‘નૂતન સંકુલ’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું ‘સદધર્મ સમાજસેવા રત્ન’ એવોર્ડથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
વૈદિક પરંપરાને ઉજાગર કરતું પવિત્ર ચેતના કેન્દ્ર:
લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ મહાવિદ્યાલયનું નવું ભવન માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ સનાતન જ્ઞાન અને ભારતની અનાદિકાળની વૈદિક પરંપરાને જીવંત રાખતું પવિત્ર ચેતના કેન્દ્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વો સાથે જોડવા પર જે ભાર મૂક્યો છે, તેને આ સંકુલ સાકાર કરશે. અહીંથી પ્રાપ્ત થતા સંસ્કાર અને જ્ઞાન વિદ્યાર્થીઓને શાસ્ત્રજ્ઞાની બનાવવાની સાથે રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે.
સંસ્કૃત ભાષાના જતન માટે સરકાર કટિબદ્ધ:
મુખ્યમંત્રીએ સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવતા ઉમેર્યું કે, સંસ્કૃત એ આપણા વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત છે અને તેના વિના આપણો ઇતિહાસ અને આધ્યાત્મિક વારસો સમજવો અશક્ય છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ જેવા માધ્યમો દ્વારા રાજ્ય સરકાર આ પ્રાચીન ભાષાના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે. આ અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃતની સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ આપવું તે પ્રશંસનીય બાબત છે. આ મહાવિદ્યાલય ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને સિદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપશે.
સંસ્કૃત એ આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાણ છે - જગદગુરુ શંકરાચાર્ય:
જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે, સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ ઋષિ-મુનિઓએ વારસામાં આપેલા જ્ઞાન અને સંસ્કારનું મૂળ છે. શિક્ષણ અને સંસ્કારના આ સમન્વયથી આવનારી પેઢી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે. તેમણે નૂતન સંકુલની પ્રશંસા કરી અને તેને વૈદિક પરંપરાઓના જતન માટેનું એક આદર્શ કેન્દ્ર ગણાવ્યું હતું.
સંસ્થાની સ્થાપના અને ગૌરવશાળી ઇતિહાસ:
આ વેદ વિદ્યાલયની સ્થાપના નર્મદાશંકર ભવાનીશંકર શુક્લ દ્વારા શુક્લ યજુર્વેદ અને ઉપનિષદના જ્ઞાનને જીવંત રાખવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. સમય જતાં, પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) ની પ્રેરણા અને અનંતદેવ હરિશંકર શુક્લ તથા વૈદ્યરાજ અનિરૂદ્ધ શુક્લના સહયોગથી ૧૯૮૮માં ટ્રસ્ટની પુન: સ્થાપના થઈ. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ વવાયેલું બીજ આજે એક ઘટાદાર વૃક્ષ બનીને સંસ્કૃતિનું જતન કરી રહ્યું છે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ઉદય માહૂરકર, રાજ્યમંત્રી પી.સી. બરંડા, ધારાસભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
