<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ઐતિહાસિક પરિવર્તન બાદ મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીનો જંગ : 13 વોર્ડની 52 બેઠકો માટે 425થી વધુ મુરતિયાઓ મેદાને : રાજકીય ગરમાવો ચરમસીમાએ

નગરપાલિકામાંથી કોર્પોરેશન બન્યા બાદ પ્રથમ વખત યોજાનારી ચૂંટણીમાં ટિકિટ વાંચ્છુઓનો રાફડો ફાટ્યો : દરેક બેઠક દીઠ સરેરાશ 8 દાવેદારો વચ્ચે ટિકિટ મેળવવા ભારે ખેંચતાણ અને રસાકસી

મહેસાણા: મહેસાણાના રાજકીય ઇતિહાસમાં એક નવા પ્રકરણનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નગરપાલિકાનું માળખું વિખેરાઈને હવે 'મહાનગરપાલિકા' તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ, પ્રથમ વખત કોર્પોરેશનના પ્રતિનિધિઓ ચૂંટવા માટે શહેરના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ ઐતિહાસિક ચૂંટણીને લઈને સ્થાનિક સ્તરે એટલો ઉત્સાહ છે કે, કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે 425થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવીને પક્ષો સામે મોટી મુશ્કેલી ઊભી કરી છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, સરેરાશ દરેક એક બેઠક માટે 8 જેટલા ઉમેદવારોએ ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.

પૂર્વ કોર્પોરેટરો અને નવા ભળેલા વિસ્તારોના આગેવાનો વચ્ચે જંગ:
તાજેતરમાં પૂર્ણ થયેલી સેન્સ પ્રક્રિયામાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને મહત્વાકાંક્ષી યુવાનો સુધીના તમામ વર્ગોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અગાઉની નગરપાલિકાના આશરે 40 ટકા પૂર્વ કોર્પોરેટરોએ ફરીથી સત્તાના સૂત્રો સંભાળવા દાવેદારી કરી છે. બીજી તરફ, મહાનગરપાલિકાના સીમાંકનમાં નવા સમાવિષ્ટ થયેલા 24 ગામોના સ્થાનિક આગેવાનો અને યુવા કાર્યકરો પણ હવે કોર્પોરેશનમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે અત્યંત સક્રિય બન્યા છે. આ સ્થિતિમાં જૂના જોગીઓ અને નવા લોહી વચ્ચે ટિકિટ મેળવવાની આંતરિક સ્પર્ધાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.

મતદારોનું પ્રભુત્વ અને ભાવિ વિકાસની આશા:
મહેસાણાની અંદાજે 2.84 લાખથી 3 લાખની વસ્તી ધરાવતા આ નવનિર્મિત કોર્પોરેશન વિસ્તારમાં અંદાજે 1.50 લાખ પુરુષ અને 1.34 લાખ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ કોર્પોરેશન હોવાથી આ ચૂંટણી શહેરના આધુનિક વિકાસ અને સુવિધાઓના રોડમેપ માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. હવે રાજકીય પક્ષો માટે આટલી મોટી સંખ્યામાં આવેલા મુરતિયાઓમાંથી 'વિનિંગ કેન્ડિડેટ' પસંદ કરવા તે ખરાખરીનો ખેલ સાબિત થશે. આગામી દિવસોમાં પક્ષો કયા માપદંડોના આધારે ઉમેદવારોની પસંદગી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

(3:24 PM IST)