<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

સુરત જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના અવિરત પુરવઠા માટે GSPCના એમ.ડી. અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

૩૦ જૂન સુધીમાં નવું PNG કનેક્શન લેનાર ગ્રાહકોને ૫૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે : મધ્ય પૂર્વના યુદ્ધની સ્થિતિ વચ્ચે આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ સુનિશ્ચિત કરવા વહીવટીતંત્ર અને ઓઈલ કંપનીઓ વચ્ચે સઘન સંકલન

સુરત: સુરત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ થાય અને વિતરણ વ્યવસ્થા અબાધિત રહે તે હેતુથી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) ના એમ.ડી. અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સેવા સદન ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ફર્ટીલાઇઝર સહિતની વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં પણ સપ્લાય જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

નવા PNG કનેક્શન પર ખાસ ડિસ્કાઉન્ટની જાહેરાત:
બેઠક દરમિયાન અવંતિકાસિંઘે સુરતવાસીઓ માટે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં ગેસલાઈન ઉપલબ્ધ છે ત્યાં ૩૦ જૂન સુધીમાં નવા ડોમેસ્ટીક PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન માટે અરજી કરનાર ગ્રાહકોને ૫૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ ગ્રાહકના પ્રથમ બિલમાં ૫૦૦ રૂપિયાની ક્રેડિટ તરીકે જમા કરવામાં આવશે. હાલ સુરત શહેરમાં ૧૫.૨૦ લાખ ડોમેસ્ટીક PNG કનેક્શન કાર્યરત છે અને ગ્રાહકોને નિયમિત પુરવઠો મળતો રહે તે માટે સરકાર ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે.

હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને અગ્રતા:
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં PNG કનેક્શનને અગ્રતા આપવામાં આવી રહી છે. ખાસ કરીને રહેઠાણોની સાથે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ, ડેરી ઉદ્યોગ અને ધાર્મિક સંસ્થાઓમાં ગેસ કનેક્શન આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં કોમર્શિયલ PNGની ૧૮૦૫ અરજીઓ તેમજ ૩૯ હોસ્પિટલો અને ૧૬ રેલ્વે કેન્ટીનોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મધ્ય પૂર્વમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને મનપાના અધિકારીઓ ટીમવર્કથી કાર્ય કરી રહ્યા છે, જેની એમ.ડી.એ સરાહના કરી હતી.

૪૫ દિવસનો સમય ઘટાડીને માત્ર ૭ દિવસ કરાયો:
જિલ્લા પૂરવઠા અધિકારી દર્શન શાહે બેઠકમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, PNG પાઇપલાઇન કનેક્શન મેળવવાની પ્રક્રિયાને હવે અત્યંત સરળ બનાવવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયામાં ૪૫ દિવસનો સમય લાગતો હતો, જે ઘટાડીને હવે માત્ર ૭ દિવસ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, HPCL, BPCL અને IOCL ના તમામ ડીલરો દ્વારા ૫ કિલો અને ૩ કિલોના નાના ગેસ સિલિન્ડરોનો સપ્લાય પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવ, સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર સહિત વિવિધ ઓઈલ અને ગેસ વિતરક કંપનીઓના પ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:51 PM IST)