તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
ગાંધીનગરના સ્પીપા ખાતે 'ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ' પર રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો : વહીવટી તંત્રને વધુ સક્ષમ બનાવવા મંથન
‘મિશન કર્મયોગી’ અંતર્ગત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમને પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ સાથે જોડવા પર ભાર : આશા વર્કર, તલાટી અને પોલીસ જેવા ફ્રન્ટલાઇન કર્મચારીઓને માતૃભાષામાં ડિજિટલ તાલીમ આપવા બ્લુપ્રિન્ટ તૈયાર

ગાંધીનગર: ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા ગાંધીનગરના સેક્ટર-૨૬ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે એક મહત્વપૂર્ણ રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય પર આધારિત આ એક દિવસીય કાર્યશાળાનો પ્રારંભ વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ હારીત શુક્લા, સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક અને નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.
તાલીમ પદ્ધતિને વધુ પરિણામલક્ષી બનાવવાનો હેતુ:
ભારત સરકારના ‘મિશન કર્મયોગી’ અભિગમને વેગ આપતા આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ પદ્ધતિને પરંપરાગત માળખામાંથી બહાર લાવી વધુ આધુનિક બનાવવાનો છે. આગામી મે માસમાં મસૂરી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સમિટની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ અને વર્ગ-૧ તથા ૨ ના નોડલ અધિકારીઓએ ઉપસ્થિત રહીને વહીવટી શાસનને વધુ સંગીન બનાવવા અને કર્મચારીઓને તેમની ચોક્કસ ભૂમિકા મુજબ સક્ષમ બનાવવા પર મંથન કર્યું હતું.
આઠ વર્કિંગ ગ્રુપ્સ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર ચર્ચા:
વર્કશોપ દરમિયાન આઠ અલગ-અલગ વર્કિંગ ગ્રુપ્સની રચના કરવામાં આવી હતી. આ ગ્રુપ્સ દ્વારા એકીકૃત તાલીમ માળખું, તાલીમ સંસ્થાઓનું સુદ્રઢીકરણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ અને કેડર મુજબ સતત તાલીમ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. મંથનમાં ખાસ કરીને આઈગોટ (iGOT) અને eHRMS જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સને વહીવટમાં સાંકળવા તથા સ્પીપા જેવી સંસ્થાઓને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
છેવાડાના કર્મચારીઓ માટે ગુજરાતીમાં ડિજિટલ લર્નિંગ:
આ કાર્યશાળામાં એક મહત્વનું વિઝન રજૂ કરવામાં આવ્યું હતું, જે મુજબ છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓ પહોંચાડતા આશા વર્કર, આંગણવાડી કાર્યકર, તલાટી અને પોલીસ કોન્સ્ટેબલ જેવા ફ્રન્ટલાઇન કર્મચારીઓ સુધી તેમની માતૃભાષા ગુજરાતીમાં ડિજિટલ લર્નિંગના માધ્યમથી તાલીમ પહોંચાડવામાં આવશે. કાર્યક્રમના અંતે તૈયાર કરવામાં આવેલું ‘એક્શન મેટ્રિક્સ’ અને તજજ્ઞોના સૂચનોનો રિપોર્ટ કેપેસિટી બિલ્ડીંગ કમિશન (CBC) ને મોકલવામાં આવશે. આ પ્રયાસ ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના લક્ષ્યાંકને હાંસલ કરવા અને ગુજરાતના વહીવટી માળખાને વધુ કાર્યદક્ષ બનાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
