તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 4th April 2026
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કાયદો અને વ્યવસ્થા મુદ્દે ૪૫ નવા પોલીસ ઇન્સ્પેક્ટરોનો લેવાયો સ્પેશિયલ ક્લાસ
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર દ્વારા કડક નિર્દેશ : સંયુક્ત પોલીસ કમિશનરો અને નાયબ પોલીસ કમિશનરોની હાજરીમાં નવા નિમણૂક પામેલા અધિકારીઓનો પરિચય કરાવાયો

સુરત:સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને તે હેતુથી પોલીસ કમિશનર કચેરી ખાતે શનિવારે મોડી સાંજે એક મહત્વપૂર્ણ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સુરત શહેરમાં નવા નિયુક્ત થયેલા ૪૫ પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં મોટા પાયે થયેલી પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓના ભાગરૂપે સુરત શહેરમાંથી ૫૯ અધિકારીઓની અન્યત્ર બદલી થઈ હતી, જ્યારે ૪૫ નવા અધિકારીઓએ સુરતમાં ચાર્જ સંભાળ્યો છે.
ચૂંટણી પૂર્વે કાયદો વ્યવસ્થા જળવાય તે માટે કડક સૂચના:
આગામી સમયમાં ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય દ્વારા અત્યારથી જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નવા આવેલા તમામ અધિકારીઓને તેમના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની જવાબદારીઓ સમજાવી હતી અને ગુનાખોરી ડામવા માટે કોઈપણ પ્રકારની કસર ન છોડવા કડક આદેશ આપ્યા હતા.
અધિકારીઓ વચ્ચે સંકલન અને પરિચય કાર્યક્રમ:
સુરતની ભૌગોલિક રચના અને સંવેદનશીલ વિસ્તારોથી નવા અધિકારીઓ વાકેફ થાય તે હેતુથી આ બેઠકમાં શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશનરો (ACP), નાયબ પોલીસ કમિશનરો (DCP) અને સંયુક્ત પોલીસ કમિશનરો (Joint CP) ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉચ્ચ અધિકારીઓ અને નવા ઇન્સ્પેક્ટરો વચ્ચે ટેલિફોનિક નંબરની આપ-લે કરવામાં આવી હતી જેથી ઇમરજન્સીના સમયે ત્વરિત સંકલન સાધી શકાય. પોલીસ કમિશનરે એક શિક્ષકની ભૂમિકા ભજવીને તમામ અધિકારીઓને કાયદાકીય પાસાઓ અને અરજદારો સાથેના વર્તન બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અરજદારોને ન્યાય મળે તે પ્રાથમિકતા:
બેઠકમાં એ બાબત પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય અરજદારોને ત્વરિત ન્યાય મળે અને તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે. પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે સુરતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે. આ ક્રાઈમ કોન્ફરન્સ દ્વારા સુરત પોલીસના નવા માળખાને એક મંચ પર લાવીને પરસ્પર પરિચય સાથે કાર્યદક્ષતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
