<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

નર્મદા તટે ઉમટ્યું આસ્થાનું ઘોડાપૂર: ઉત્તરવાહિની પરિક્રમામાં ભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ, ૨૧ કિમીની પદયાત્રામાં 'નર્મદે સર્વદે'ના નાદથી ગુંજી ઉઠ્યા નર્મદાના પટ

૧૦ કરોડના ખર્ચે સરકારી સુવિધાઓનો ભક્તોએ લીધો લ્હાવો, ઓનલાઈન રજિસ્ટ્રેશન અને નવા બ્રિજથી યાત્રા બની સુગમ

રાજપીપળા : ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં નર્મદા જિલ્લામાં આસ્થાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. રાજપીપળાના રામપુરાથી તિલકવાડા સુધીના આશરે ૨૧ કિલોમીટરના પટમાં વહેતી પવિત્ર 'ઉત્તરવાહિની' નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ૧૯ માર્ચથી શરૂ થયેલી આ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. 
નર્મદા નદી આમ તો પશ્ચિમ તરફ વહે છે, પરંતુ અહીંના ટૂંકા પટમાં તે ઉત્તર દિશા તરફ વળે છે, જેનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ ૨૧ કિમીની પરિક્રમા કરવાથી આખી નર્મદા પરિક્રમાનું પુણ્ય મળે છે. આ વર્ષે શ્રદ્ધાળુઓની સુવિધા માટે 'ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ' દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ૧૦ કરોડના ખર્ચે વિશાળ ડોમ, મોબાઈલ ટોયલેટ અને મેડિકલ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ ભક્તોએ હોડી પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે મજબૂત બ્રિજની સુવિધા મળતા યાત્રાળુઓએ ભારે રાહત અનુભવી છે.
આ પરિક્રમા માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્ર માટે પણ બૂસ્ટર ડોઝ સાબિત થઈ રહી છે. પરિક્રમાના રૂટ પર આવેલા નાના વેપારીઓ, શેરડીના રસના ચિચોડા અને પ્રસાદની દુકાનોવાળા વેપારીઓની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 'વોકલ ફોર લોકલ'ના મંત્રને અહીં સાર્થક થતો જોઈ શકાય છે. ભક્તોએ પણ સરકારની આધુનિક વ્યવસ્થાઓ અને સુરક્ષાના વખાણ કર્યા છે. ૧૭ એપ્રિલ સુધી ચાલનારી આ પરિક્રમામાં હજુ પણ લાખો શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે.
 
આજના અન્ય સમાચાર એક નજરે:
•    નર્મદા: રાજપીપળામાં વરસાદી કાંસ દબાવી દેવાના મામલે ધારાસભ્ય દ્વારા વિરોધ પ્રદર્શન.
•    મહારાષ્ટ્ર: નાસિકમાં ભયાનક અકસ્માત, કાર કૂવામાં ખાબકતા એક જ પરિવારના ૯ સભ્યોના કરુણ મોત.
•    દાદરા: નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા ૩ લોકોએ જીવ ગુમાવ્યા.
•    RTE પ્રવેશ: આજથી ૮૪ હજાર બેઠકો પર એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ.

(8:15 PM IST)