તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 4th April 2026
ન્યાયાધીશોના અભદ્ર વર્તનની વાયરલ ક્લિપ્સ જોઈને હૈયું દુભાયું: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન.વી. અંજારિયાએ ન્યાયિક અધિકારીઓને આપ્યો શિષ્ટાચારનો પાઠ
"ન્યાય તો જ ગૌરવવંતો બનશે જો પ્રક્રિયા ગરિમાપૂર્ણ હશે": કોર્ટરૂમમાં વકીલો અને પક્ષકારો સાથેના વ્યવહારમાં સંયમ રાખવા ટકોર, 'કાયદો જ મારો ધર્મ છે'ના મંત્ર સાથે ન્યાય આપવા જિલ્લા ન્યાયાધીશોને આહ્વાન

અમદાવાદ : ગુજરાતના જિલ્લા ન્યાયાધીશોના વાર્ષિક પરિષદમાં બોલતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એન.વી. અંજારિયાએ ન્યાયતંત્રની ગરિમાને લઈને અત્યંત ગંભીર અને મર્મસ્પર્શી નિવેદન આપ્યું છે. તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં અમુક ન્યાયિક અધિકારીઓના અસભ્ય વર્તનની વિડિયો ક્લિપ્સ જોઈને તેમને ખૂબ જ "દુઃખ" થયું છે. જસ્ટિસ અંજારિયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો ન્યાયાધીશો પોતાની ગરિમા જાળવી નહીં શકે, તો તેઓ ન્યાયને ક્યારેય ગૌરવ આપી શકશે નહીં.
ગુજરાત રાજ્ય ન્યાયિક એકેડેમી દ્વારા આયોજિત "ન્યાયનું પુનઃનિર્માણ" વિષય પરના કાર્યક્રમમાં જસ્ટિસ અંજારિયાએ ન્યાયાધીશોને સમયપાલન અને કોર્ટરૂમમાં આચરણ બાબતે અરીસો બતાવ્યો હતો. તેમણે કહ્યું કે, એવી ફરિયાદો વારંવાર આવે છે કે ન્યાયિક અધિકારીઓ સમયસર બેસતા નથી અથવા કોર્ટ વહેલી છોડી દે છે. તેમણે ટકોર કરી કે ન્યાયાધીશ જો સુલભ નહીં હોય, તો સામાન્ય માણસ માટે ન્યાય કઈ રીતે સુલભ બનશે? વકીલો, જુનિયર અધિકારીઓ અને ખાસ કરીને અધીરા બનેલા વાદીઓ સાથેનો વ્યવહાર ન્યાય વિતરણ પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ છે.
ચુકાદાઓની ગુણવત્તા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, ન્યાય એ માત્ર સત્તાનું પ્રદર્શન નથી પરંતુ એક ઉત્કૃષ્ટ જવાબદારી છે. તેમણે ન્યાયાધીશોને સલાહ આપી કે ચુકાદામાં ભાષા અત્યંત મહત્વની છે, કારણ કે સારી ભાષા વગર સારો તર્ક ક્યારેય વ્યક્ત થઈ શકતો નથી. 'કાયદો મારો ધર્મ છે અને ધર્મ મારો કાયદો છે'ના સિદ્ધાંતને ટાંકીને તેમણે ઉમેર્યું કે, ક્યારેક વાસ્તવિક ન્યાય કરવા માટે કાયદાના પુસ્તકથી આગળ વધીને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો પણ અનિવાર્ય છે. અંતમાં તેમણે ભાર મૂક્યો કે આપણો ઉદ્દેશ્ય સામાન્ય માણસને "ન્યાયની અનુભૂતિ" કરાવવાનો હોવો જોઈએ.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
