હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાબરકાંઠાના ખેડૂતોના ગજવા ભરાયા: હિંમતનગર માર્કેટ યાર્ડમાં તમાકુની બમ્પર આવક, માત્ર ૩ દિવસમાં ૮ હજાર બોરીની ધૂમ ખરીદી વચ્ચે ભાવમાં જોવા મળી જોરદાર તેજી
રોકડિયા પાક તમાકુએ ખેડૂતોના ચહેરા પર લાવી દીધું સ્મિત: મણ દીઠ ભાવ ૨૧૦૦ રૂપિયાને પાર પહોંચતા યાર્ડમાં ખેડૂતોનું ઘોડાપૂર, સારા વળતરને પગલે અન્ય જિલ્લાઓમાંથી પણ આવક શરૂ

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આ વર્ષે રવિ પાકની સીઝન આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. હિંમતનગર સહકારી જિન પાસે આવેલા કોટન માર્કેટ યાર્ડમાં ગત ૨જી એપ્રિલથી તમાકુની સત્તાવાર ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સીઝનના પ્રારંભે જ ૮ હજાર બોરી તમાકુની આવક નોંધાતા માર્કેટ યાર્ડ ચિક્કાર ભરાઈ ગયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે શરૂઆતથી જ ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ખરીદીના પ્રથમ દિવસે બજારમાં આશરે ૮૫૦ બોરીની આવક થઈ હતી અને ભાવ ૧૩૦૦ થી ૧૮૫૦ રૂપિયાની વચ્ચે રહ્યા હતા. જોકે, બીજા દિવસથી જ બજારના સમીકરણો બદલાયા હતા અને તમાકુના ભાવમાં ઉછાળો આવતા મણ દીઠ ભાવ ૨૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા હતા. ભાવમાં તેજી આવતાની સાથે જ આવકમાં પણ તોતિંગ વધારો થયો છે. બીજા દિવસે ૨૫૦૦ બોરી અને આજે ત્રીજા દિવસે આવકનો આંકડો ૮ હજાર બોરીએ પહોંચી ગયો છે. સાબરકાંઠામાં આ વર્ષે તમાકુનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હોવાથી આગામી દિવસોમાં આવક હજુ પણ વધવાની પૂરેપૂરી શક્યતા છે.
માર્કેટ યાર્ડમાં તમાકુની મસમોટી આવકને પગલે ખેડૂતોને કોઈ હાલાકી ન પડે તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક જળવાઈ રહે અને ખેડૂતોને પોતાના પાકનું વજન કરાવવામાં કે નાણાં મેળવવામાં વિલંબ ન થાય તે માટે ખાસ આયોજન કરાયું છે. હિંમતનગર યાર્ડમાં મળી રહેલા સારા ભાવની ચર્ચા આસપાસના જિલ્લાઓમાં પણ ફેલાતા, હવે અન્ય તાલુકાઓમાંથી પણ ખેડૂતો પોતાનો માલ વેચવા માટે હિંમતનગર તરફ વળ્યા છે. રોકડિયા પાકની આ તેજીએ ખેતી પર નિર્ભર પરિવારોમાં દિવાળી જેવો માહોલ સર્જ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
