<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો 'માસ્ટર સ્ટ્રોક': ૧૦ હજાર બેઠકો પર જૂના જોગીઓના પત્તા કપાશે, યુવા અને નવા ચહેરાઓ પર ખેલાશે મોટો દાવ

ભાજપ ચૂંટણી સમિતિની ૩ દિવસીય બેઠકનો આવતીકાલથી પ્રારંભ: ૬૦ વર્ષથી વધુ ઉંમર અને ૩ ટર્મ વાળા દાવેદારોની બાદબાકી નક્કી, ૧૦મી એપ્રિલ સુધીમાં ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે વિજય જાળવી રાખવા માટે અત્યારથી જ આક્રમક રણનીતિ ઘડી કાઢી છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે, ત્યારે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં એક મોટો અને સાહસિક નિર્ણય લીધો છે. મળતી વિગતો મુજબ, પ્રદેશ ભાજપ આ વખતે ૧૦ હજાર જેટલી બેઠકો પર મોટાભાગે યુવા વર્ગ અને બિલકુલ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.
આ ચૂંટણીની પ્રક્રિયા માટે ભાજપે કડક નિયમો નક્કી કર્યા છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના સમયમાં નક્કી કરાયેલા માપદંડોને વર્તમાન અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આગળ વધારશે તેવા સંકેતો મળ્યા છે. જે મુજબ, ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા કાર્યકરો, ત્રણ ટર્મથી સત્તા ભોગવતા નેતાઓ અને સત્તામાં રહેલા નેતાઓના પરિવારજનોને આ વખતે ટિકિટથી વંચિત રાખવામાં આવી શકે છે. આ નિયમોને કારણે અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાશે અને સંગઠનમાં નવા લોહીને પ્રાધાન્ય આપવામાં આવશે.
ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા મોટાભાગે પૂર્ણ થઈ ચૂકી છે. હવે આવતીકાલ એટલે કે ૫ એપ્રિલથી ૭ એપ્રિલ દરમિયાન મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના આગેવાનો નિરીક્ષકો દ્વારા આવેલા નામો પર મંથન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ ૧૦ એપ્રિલની મોડી રાત સુધીમાં તમામ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દેશે. આ વખતે ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા અને ૩૪ જિલ્લા પંચાયતો સહિતની બેઠકો પર ભાજપના 'નવા ભારત' અને 'નવા ગુજરાત'ની ઝલક જોવા મળશે.

(9:09 PM IST)