News of Saturday, 4th April 2026
સુરત સિવિલમાં કરોડોનો ખર્ચ, છતાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવાનો વારો
હૃદય સંબંધિત સારવાર સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતોઃસ્થાનિકો અને સંસ્થાઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક પગલાંની માંગ કરી છે

સુરત : સુરત શહેરની સૌથી મોટી સરકારી આરોગ્ય સંસ્થા, નવી સિવિલ હોસ્પિટલમાં હાર્ટ સંબંધિત અદ્યતન મશીનરી છેલ્લા એક વર્ષથી ઉપયોગ વગર ધૂળ ખાઈ રહી હોવાની આરોગ્ય સંબંધિત ચિંતાજનક હકીકત સામે આવી છે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સુરતની નવી સિવિલ હોસ્પિટલને અંદાજે ૧૨ કરોડ રૃપિયાની અદ્યતન હાર્ટ ટ્રીટમેન્ટ મશીનરી આપવામાં આવી હતી. આ મશીનરીનો હેતુ ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને હૃદય સંબંધિત સારવાર સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો. પરંતુ હકીકતમાં આ મશીનરીનો પૂરતો ઉપયોગ થઈ રહ્યો નથી.
માહિતી મુજબ, હાર્ટ સંબંધિત બીમારીઓ માટેની આ મહત્વપૂર્ણ મશીનરી એક અલગ રૃમમાં જ રાખવામાં આવી છે, જ્યાં તે લાંબા સમયથી બંધ હાલતમાં પડી હોવાનું સામે આવ્યું છે. મશીનરી સાથે જોડાયેલા ઘણા ઇન્સ્ટ્રૂમેન્ટ્સ તો હજુ પણ બોક્સ પેક હાલતમાં જ જોવા મળી રહ્યા છે, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તેનું યોગ્ય રીતે ઈન્સ્ટોલેશન અને ઉપયોગ કરવામાં આવ્યો નથી.
આ પરિસ્થિતિનું મુખ્ય કારણ નિષ્ણાત ડોક્ટરોની અછત હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં હાર્ટ સર્જરી માટે જરૃરી કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયાક સર્જન ઉપલબ્ધ ન હોવાને કારણે આ મોંઘી મશીનરી બિનઉપયોગી બની ગઈ છે. જોકે, કેટલીક મશીનરીનો ઉપયોગ યુરોસર્જન દ્વારા મર્યાદિત રીતે કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાર્ટ સંબંધિત મુખ્ય સેવાઓ હજુ પણ શરૃ થઈ શકી નથી.
આ બેદરકારીનો સૌથી મોટો ભોગ ગરીબ અને જરૃરિયાતમંદ દર્દીઓ બની રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં સુવિધા હોવા છતાં, સારવાર ન મળતાં દર્દીઓને મજબૂરીમાં ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે, જ્યાં ખર્ચ ઘણો વધારે હોય છે. આ પરિસ્થિતિ આરોગ્ય વ્યવસ્થાની ખામીઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓએ આ મુદ્દે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે. તેઓનો મત છે કે જો મશીનરી ઉપલબ્ધ છે, તો તેના માટે જરૃરી સ્ટાફ અને ડોક્ટરોની ભરતી પણ તાત્કાલિક કરવી જોઈએ, જેથી દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે.
હાલમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને આવનારા સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહેશે. જો સમયસર યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો કરોડો રૃપિયાની આ મશીનરી માત્ર શો-પીસ બની રહેવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
