<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

કતારગામમાં ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે કરી નરાધમની ધરપકડ

૮ વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરનાર ૩૨ વર્ષીય અંજાર અલીની પોલીસે ધરપકડ કરી છે આરોપી પોતે બે સંતાનનો પિતા છે

સુરત : ડાયમંડ સિટી સુરતમાં માસૂમ બાળકીઓ પર અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ૮ વર્ષની માસૂમ બાળકીની એકલતાનો લાભ લઈ પડોશમાં રહેતા નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, આ મામલે સક્રિય થયેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય અંજાર અલી આલમ નામના શખ્સે માનવતા નેવે મૂકી હતી. જ્યારે બાળકી ઘરે એકલી હતી, ત્યારે આરોપીએ તેની એકલતાનો લાભ લીધો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર બાળકીએ હિંમત બતાવી સમગ્ર હકીકત પોતાની માતાને જણાવી હતી. દીકરીની આપવીતી સાંભળી પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

ચોંકાવનારી બાબત એ છે કે, ઝડપાયેલો આરોપી અંજાર અલી આલમ પોતે પરણિત છે અને તેને બે સંતાનો પણ છે. છતાં તેણે પડોશમાં રહેતી આઠ વર્ષની બાળકીને શિકાર બનાવી હતી. પોલીસે ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી કરતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી નાની બાળકીઓ સાથે દુષ્કર્મ અને અત્યાચારના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે.

કતારગામની આ ઘટનાએ વાલીઓમાં ફરી એકવાર ભય અને રોષનો માહોલ પેદા કર્યો છે. પોલીસ હાલ આ મામલે મેડિકલ તપાસ અને પુરાવા એકત્રિત કરી કડક સજા અપાવવાની દિશામાં તપાસ ચલાવી રહી છે.

(9:32 PM IST)