News of Saturday, 4th April 2026
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક અને કડક આદેશ: ન્યાયિક ચુકાદાઓ લખવા માટે AI ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, ભૂલ પડશે તો જજ પોતે જવાબદાર ઠરશે
"ન્યાય તોળવો એ મશીનનું નહીં, માણસનું કામ છે": ઓર્ડર ડ્રાફ્ટિંગ અને જામીનની પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના હસ્તક્ષેપ સામે લાલ આંખ, નિયમ તોડનાર સ્ટાફ સામે થશે શિસ્તભંગના પગલાં

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ન્યાયતંત્રમાં ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ નીતિ જાહેર કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવેથી ગુજરાતની કોઈપણ કોર્ટમાં ન્યાયાધીશો કે કોર્ટ સ્ટાફ ચુકાદા તૈયાર કરવા, ઓર્ડર ડ્રાફ્ટ કરવા કે જામીન અને સજા અંગેના નિર્ણયો લેવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. આ નીતિ હેઠળ, જો કોઈ ચુકાદામાં AI ના કારણે ભૂલ જણાશે, તો તેનો બચાવ 'ટેકનિકલ ખામી' ગણીને કરી શકાશે નહીં, પરંતુ જે-તે ન્યાયાધીશ કે અધિકારીની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવામાં આવશે.
હાઈકોર્ટે બંધારણના અનુચ્છેદ ૨૨૫ અને ૨૨૭ હેઠળ આ સત્તાવાર નીતિ ઘડી છે, જેનો મુખ્ય હેતુ ન્યાયિક તર્ક અને માનવીય વિવેકબુદ્ધિની પવિત્રતા જાળવી રાખવાનો છે. નીતિમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પુરાવાઓનું વર્ગીકરણ કરવું, સાક્ષીઓની જુબાનીનો સારાંશ તૈયાર કરવો કે પુરાવાની વિશ્વસનીયતા ચકાસવા જેવા સંવેદનશીલ કાર્યોમાં AI નો પ્રવેશ વર્જિત છે. અદાલતે ચિંતા વ્યક્ત કરી છે કે AI સિસ્ટમ્સમાં લિંગ, ધર્મ કે જાતિ સંબંધિત પૂર્વગ્રહો હોઈ શકે છે, જે ન્યાયિક પ્રક્રિયાને પક્ષપાતી બનાવી શકે છે.
જોકે, વહીવટી અને સંશોધન કાર્યમાં મર્યાદિત છૂટછાટ આપવામાં આવી છે. ન્યાયાધીશો કાનૂની સંશોધન, જૂના ચુકાદાઓ શોધવા કે ભાષાકીય સુધારા માટે AI ની મદદ લઈ શકશે, પરંતુ તેના દ્વારા મળતી માહિતીને અધિકૃત કાયદાકીય જર્નલ્સ (જેમ કે SCC Online અથવા AIR) સાથે સરખાવીને તેની સત્યતા તપાસવી ફરજિયાત રહેશે. ખાસ કરીને, પક્ષકારો કે સાક્ષીઓના નામ અને સરનામા જેવી સંવેદનશીલ વિગતો કોઈ જાહેર AI ટૂલ્સમાં એન્ટર કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
આ નીતિ માત્ર ન્યાયાધીશો માટે જ નહીં, પરંતુ કોર્ટના સ્ટાફ, ઇન્ટર્ન્સ, કાનૂની સહાયકો અને પેરા-લીગલ સ્વયંસેવકોને પણ સમાન રીતે લાગુ પડશે. જો કોઈ કર્મચારી આ નીતિનું ઉલ્લંઘન કરશે તો તેને 'ગેરવર્તણૂક' ગણીને તેમની સામે વિભાગીય કે શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય એ વાત પર મહોર મારે છે કે ન્યાયની દેવીની આંખે ભલે પાટા હોય, પણ તેનો નિર્ણય મશીની અલ્ગોરિધમથી નહીં પણ માનવ અંતરાત્માના અવાજથી જ લેવાવો જોઈએ.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
