News of Saturday, 4th April 2026
અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ માટે પડાપડી: 192 બેઠકો માટે 2300 થી વધુ દાવેદારો મેદાને, કાર્યકરોનો અભૂતપૂર્વ ધસારો
કેસરીયો ખેસ ધારણ કરવા માટે અમરાઈવાડી અને નિકોલમાં સૌથી વધુ રસાકસી: 1000 થી વધુ મહિલાઓએ પણ નોંધાવી દાવેદારી, ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ વાગી ચૂક્યું છે, ત્યારે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મનપામાં સત્તાધારી પક્ષ ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખેંચતાણ જોવા મળી રહી છે. અમદાવાદના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે એક બેઠક દીઠ સરેરાશ 12 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેને પગલે પક્ષના મોવડી મંડળ માટે પસંદગીની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા જેવી બની રહેશે.
આ વખતે ભાજપની દાવેદારીમાં 'માતૃશક્તિ'નો દબદબો પણ ખાસ જોવા મળ્યો છે. કુલ 2364 દાવેદારોમાંથી 1034 મહિલા કાર્યકરોએ ટિકિટ માટે પોતાની દબંગ દાવેદારી રજૂ કરી છે, જ્યારે 1330 પુરુષ કાર્યકરોએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમદાવાદના અલગ-અલગ 7 સ્થળોએ ચાલેલી આ સેન્સ પ્રક્રિયામાં પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તાર સુધી ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને અમરાઈવાડી વોર્ડમાં સૌથી વધુ 100 દાવેદારો નોંધાયા છે, જ્યારે નિકોલમાં 95 લોકોએ ટિકિટ માંગી છે. બીજી તરફ મકતમપુર વોર્ડમાં સૌથી ઓછા 16 દાવેદારો જોવા મળ્યા છે.
વિસ્તાર મુજબની ખેંચતાણ પર નજર કરીએ તો, પશ્ચિમ અમદાવાદના ચાંદખેડામાં 80 અને સરખેજમાં 79 બાયોડેટા જમા થયા છે. સાબરમતી, શાહપુર અને નરોડા જેવા વોર્ડમાં પણ સરેરાશ 50થી વધુ કાર્યકરોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. પોશ ગણાતા પાલડી વિસ્તારમાં 47 અને નવરંગપુરા-જોધપુરમાં 35 થી 50 દાવેદારો મેદાને આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ હજારો દાવેદારોમાંથી ભાજપ કયા સમીકરણોને આધારે 192 નસીબદાર ઉમેદવારોની પસંદગી કરે છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
