તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 4th April 2026
સુરત ડાયમંડ બુર્સની ભવ્યતા જોઈ ઈર્ષ્યા થવી સ્વાભાવિક છે: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ, હીરા વેપારીઓ દ્વારા ભવ્ય સન્માન
SDB માં ૨૫૦થી વધુ ઓફિસો ધમધમતી થતા ડાયમંડ સિટીમાં ઉત્સાહનો માહોલ: "અમે દરવાજે લીંબુ-મરચાં બાંધી દીધા છે" - DyCM એ મુંબઈ બુર્સ સાથે સરખામણી કરી વિરોધીઓ પર કર્યા આકરા પ્રહારો

સુરત : વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડિંગ 'સુરત ડાયમંડ બુર્સ' (SDB) ખાતે આજે હીરા ઉદ્યોગના માંધાતાઓ અને વેપારીઓ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે હર્ષભાઈ સંઘવીએ બુર્સમાં કાર્યરત ૨૫૦થી વધુ ઓફિસોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને વેપારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે સુરતના હીરા ઉદ્યોગની પ્રગતિને બિરદાવતા વિરોધીઓ અને ટીકાકારો પર પોતાના અંદાજમાં આકરા પ્રહારો કર્યા હતા.
પોતાના સંબોધનમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સની ભવ્યતા એટલી વિશાળ છે કે કોઈપણ વ્યક્તિને તેની ઈર્ષ્યા થવી સ્વાભાવિક છે. તેમણે ટીકાકારોને આડે હાથ લેતા ટાપસી પૂરી હતી કે, "જ્યારે કોઈ મોટું અને સારું કામ થાય ત્યારે પગ ખેંચવાવાળા લોકો હંમેશા તૈયાર જ હોય છે. પરંતુ અમારે તેની ચિંતા નથી, અમે તો બુર્સના દરવાજે લીંબુ-મરચાં બાંધી લીધા છે જેથી કોઈની નજર ન લાગે." તેમણે વેપારીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે ટીકા કરનારાઓ માત્ર સમયની રાહ જોતા હોય છે, પણ સુરતનો વેપારી ક્યારેય રોકાતો નથી.
મુંબઈના ભારત ડાયમંડ બુર્સ સાથે સરખામણી કરતા હર્ષભાઈએ નોંધ્યું હતું કે, મુંબઈમાં ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ માંડ ૫ ઓફિસો શરૂ થઈ શકી હતી, જ્યારે સુરતમાં ખૂબ જ ટૂંકા સમયમાં ૨૫૦થી વધુ ઓફિસો કાર્યરત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં આ આંકડો ૧૦૦૦ને પાર કરી જશે. તેમણે હીરાના વેપારીઓને નાના-મોટા મનદુખ ભૂલીને એક ટીમ બનીને આગળ વધવા અપીલ કરી હતી, જેથી વૈશ્વિક સ્તરે સુરતની ચમક અકબંધ રહે.
આ પ્રસંગે SDBના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે હાલમાં બુર્સમાં ૮૦ ટકા જેટલો વેપાર શરૂ થઈ ચૂક્યો છે. ૪ હજાર ઓફિસોની ક્ષમતા ધરાવતા આ વિશ્વસ્તરીય કેન્દ્રમાં આગામી સમયમાં વેપારનું પ્રમાણ હજુ પણ વધશે. સુરતની ઝડપી પ્રગતિ અને વેપારીઓના સાહસને કારણે SDB આગામી સમયમાં વિશ્વના હીરા બજારનું મુખ્ય કેન્દ્ર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
