<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

સુરત મનપાની ચૂંટણીમાં ભાજપની મોટી સર્જરી: ૧૭૨૦ દાવેદારોના પત્તા કપાયા, ૧૨૦ બેઠકો માટે ૩૬૦ નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ હાઈકમાન્ડને સોંપાઈ

વય મર્યાદા અને 'નો-રીપીટ' થિયરીના આકરા ફિલ્ટરમાં અનેક દિગ્ગજો આઉટ: ૨૦૮૦ દાવેદારોમાંથી માત્ર મર્યાદિત ચહેરાઓની પસંદગી થતા સિનિયર નેતાઓમાં સોપો પડી ગયો

સુરત, તા.૪: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા (SMC) કબજે કરવા માટે રાજકીય પક્ષોએ પોતાની કવાયત તેજ કરી દીધી છે. સુરત મનપાની ૧૨૦ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હવે તેના ચરમસીમા પર પહોંચી છે. ભાજપ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્ક્રુતિની પ્રક્રિયાના અંતે, હજારો દાવેદારોને બાજુ પર મૂકીને દરેક બેઠક દીઠ ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. આ યાદી હવે આખરી નિર્ણય માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવામાં આવશે.
સુરતની ૧૨૦ બેઠકો માટે કુલ ૨૦૮૦ જેટલા ઉત્સાહી કાર્યકરોએ ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. જોકે, પક્ષના શિસ્ત અને આકરા નિયમોના કારણે ૧૭૨૦ જેટલા દાવેદારોના નામ પર કાતર ફેરવી દેવામાં આવી છે. હાલમાં માત્ર ૩૬૦ નામોની ટૂંકી યાદી તૈયાર કરવામાં આવી છે. આ પ્રક્રિયાના કારણે વર્ષોથી ટિકિટની આશા રાખીને બેઠેલા હજારો કાર્યકરો અને સમર્થકોમાં ભારે નિરાશા સાથે સોપો પડી ગયો છે.
આ વખતની પસંદગી પ્રક્રિયામાં પણ ભાજપે પોતાની પ્રચલિત 'વય મર્યાદા' અને 'નો-રીપીટ થિયરી'નો ચુસ્તપણે અમલ કર્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે. આ નીતિના કારણે અનેક પૂર્વ કોર્પોરેટરો અને વર્ષોથી સ્થાનિક રાજકારણમાં દબદબો ધરાવતા મોટા માથાઓના પત્તા કપાઈ ગયા છે. પક્ષની આક્રમક રણનીતિથી નવા અને યુવા ચહેરાઓને તક મળવાની શક્યતા વધી છે, પરંતુ દાયકાઓથી પક્ષ માટે પરસેવો પાડતા સિનિયર નેતાઓની આશા પર પાણી ફરી વળ્યું છે.
હવે તમામની નજર પ્રદેશ હાઈકમાન્ડ પર ટકેલી છે. આગામી દિવસોમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ આ ૩૬૦ નામોના મંથન બાદ આખરી ૧૨૦ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરશે. સુરત મનપામાં સત્તા જાળવી રાખવા માટે ભાજપ કયા નવા સમીકરણો સાથે મેદાનમાં ઉતરે છે, તે જોવું રસપ્રદ રહેશે.

(11:53 PM IST)