<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે રાજકીય સંગ્રામ તેજ: 'ભાજપ અને પોલીસની મિલીભગતથી AAP કાર્યકરો પર દમન', ગોપાલ ઈટાલિયાએ લગાવ્યા ગંભીર આરોપ

છેલ્લા ૨૦ દિવસમાં ૭૦ FIR અને ૨૦૦થી વધુની ધરપકડ પાછળ એક જ 'પેટર્ન' હોવાનો દાવો: અડધી રાત્રે નેતાઓના ઘરે પહોંચતી પોલીસ ઉમેદવારોના ડેટા તપાસતી હોવાનો વિસાવદરના ધારાસભ્યનો આક્ષેપ

ગાંધીનગર, તા.૪: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને શાસક પક્ષ ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે. આ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય અને 'આપ'ના નેતા ગોપાલ ઈટાલિયાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપને 'આપ'નો એટલો બધો ડર લાગ્યો છે કે તેઓ પોલીસના જોરે કાર્યકરોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગોપાલ ઈટાલિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, છેલ્લા ૨૦ દિવસમાં ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ ૭૦થી વધુ ખોટી FIR નોંધવામાં આવી છે અને ૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, "આ તમામ કેસોની પેટર્ન એકસરખી છે, જે ભાજપ અને પોલીસ વચ્ચેની મિલીભગત સાબિત કરે છે. અડધી રાત્રે ૧૨ વાગ્યા પછી પોલીસ અધિકારીઓ અમારા હોદ્દેદારોના ઘરે જઈને આધાર કાર્ડ અને મોબાઈલ ફોન માંગે છે અને મોબાઈલમાંથી આગામી ચૂંટણી લડનારા ઉમેદવારોના ડેટાની ચોરી કરવાનો પ્રયાસ કરે છે."
તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરતા ઈટાલિયાએ કહ્યું કે જામનગર, ભાવનગર, કોડીનાર અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પોલીસે જાણી જોઈને કાર્યકરોને હેરાન કર્યા છે. જામનગરમાં તો ભાજપના જ એક શખ્સે 'આપ' કાર્યકરની ગાડી સાથે સામાન્ય ટચ કરાવીને તુરંત જ પોલીસ બોલાવી લૂંટ અને જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો નોંધાવ્યો હોવાનો દાવો કરાયો છે. જ્યારે ઈસુદાન ગઢવીએ આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો, તો તેમની સામે પણ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી.
અરવિંદ કેજરીવાલે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે સમય માંગ્યો હોવા છતાં સમય ફાળવવામાં આવ્યો નથી, જે બાબતે પણ ઈટાલિયાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે અંતમાં ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે, જો વિરોધ પક્ષના નેતાઓને આ રીતે જેલમાં પૂરી દેવામાં આવશે, તો જનતાના પ્રશ્નો ઉઠાવનાર કોઈ નહીં વધે. લોકશાહી બચાવવા માટે સત્તાનો આવો દુરુપયોગ રોકવો જરૂરી છે.

(11:59 PM IST)