તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
સંસ્કારી નગરીમાં 'આપ' નેતાનો દારૂનો વેપલો: હોટલના કમ્પાઉન્ડમાં પોલીસના દરોડાથી રાજકીય ભૂકંપ
ફતેગંજ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર ભરત માળીની હોટલના પરિસરમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો અને ખાખીની એન્ટ્રી થતા જ નેતાજી મેદાન છોડી ફરાર થઈ જતા રાજકીય ઓથા હેઠળ ચાલતા ગેરકાયદે કાળા કારોબારનો પર્દાફાશ

વડોદરા:વડોદરાના ફતેગંજ વિસ્તારમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર અને પૂર્વ ઉમેદવાર ભરત માળીની માલિકીની હોટલના કમ્પાઉન્ડમાં પોલીસે મધરાતે ત્રાટકીને દેશી દારૂના જથ્થા સાથે હપ્તાખોરી અને ગેરકાયદે વેચાણનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. લાંબા સમયથી રાજકીય વગનો ઉપયોગ કરીને હોટલના પરિસરમાં જ નશાનો કારોબાર ધમધમતો હોવાની ગુપ્ત બાતમીના આધારે ફતેગંજ પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું, જેને પગલે 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે અને વિરોધ પક્ષોએ આ મુદ્દે આકરા પ્રહારો શરૂ કર્યા છે.
પોલીસના આ દરોડા દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં મુખ્ય સૂત્રધાર અને AAP નેતા ભરત માળી પોલીસની ગાડીઓ જોઈને પાછળના રસ્તેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. જોકે, પોલીસે સ્થળ પરથી દારૂનું વેચાણ કરી રહેલા બે સાગરીતોની અટકાયત કરી રોકડ રકમ અને મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે ભરત માળી અગાઉ વોર્ડ નંબર ૨ માંથી પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યો છે અને જવાબદાર રાજકીય હોદ્દા પર હોવા છતાં કાયદાના રક્ષક બનવાને બદલે ભક્ષક બની દારૂના વેપલામાં સંડોવાયેલો હતો. હાલ પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર નેતાજીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સંસ્કારી નગરીમાં એક તરફ પોલીસ કમિશનર દ્વારા દારૂબંધીના કડક અમલની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ રાજકીય પીઠબળ ધરાવતા નેતાની હોટલમાંથી જ નશાનો સામાન મળી આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે રહેણાંક વિસ્તારની નજીક આવેલી આ હોટલમાં અસામાજિક તત્વોનો જમાવડો રહેતો હતો. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને ફરાર ભરત માળી ક્યારે કાયદાના સકંજામાં આવે છે. અત્યારે તો વડોદરાના રાજકારણમાં આ દરોડો 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
