તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
પરમેશ્વરની કથા સાથે પ્રકૃતિનું જતન : ગણેશપુરામાં યોજાયેલ ભાગવત કથા દરમિયાન કથાકાર વૈશાલીબાળા આચાર્ય દ્વારા વૃક્ષારોપણ અભિયાન
મહેસાણાના ગાંભુ નજીક રામમઢી આશ્રમમાં સ્વામી રામાનંદતીર્થજીના સાનિધ્યમાં પિતૃ મોક્ષાર્થે આયોજિત જ્ઞાનયજ્ઞમાં પર્યાવરણના સંવર્ધનનો સંદેશ અપાયો : પરમાત્માના ભક્તિ કાર્ય સાથે પ્રકૃતિના સદ્કાર્યનો અનોખો સમન્વય

રંઘોળા:સાંપ્રત સમયમાં જ્યારે પર્યાવરણની જાળવણી એ વૈશ્વિક ચિંતાનો વિષય બની છે, ત્યારે પરમેશ્વરની ભક્તિ સાથે પ્રકૃતિના રક્ષણનો બોધ આપવાનું પ્રેરક કાર્ય રંઘોળાના વક્તા અને કથાકાર વૈશાલીબાળા આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહેસાણા નજીક આવેલા ગણેશપુરા (ગાંભુ) ગામે રામમઢી યોગ વેદાંત આશ્રમ ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન પરમાત્માની કથા સાથે પ્રકૃતિના જતન માટે વૃક્ષારોપણનું સદ્કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
પિતૃ મોક્ષાર્થે કથાનું ભવ્ય આયોજન
ગણેશપુરામાં સ્વામી: રામાનંદતીર્થજીના પવિત્ર સાનિધ્યમાં પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવાર, તા. ૨૬ માર્ચથી શરૂ થયેલી આ કથા બુધવાર, તા. ૧ એપ્રિલ સુધી ચાલી હતી, જેમાં વૈશાલીબાળા આચાર્યએ વ્યાસાસને બિરાજમાન થઈને સુંદર કથા શ્રવણ કરાવ્યું હતું. કથા દરમિયાન વિવિધ પ્રસંગોના વર્ણન અને આધ્યાત્મિક ચિંતન દ્વારા શ્રદ્ધાળુઓને ભક્તિમાર્ગે દોરવાની સાથે પર્યાવરણ સુરક્ષા અંગે પણ વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
પરમેશ્વર અને પ્રકૃતિનો સમન્વય:
કથાકાર વૈશાલીબાળા આચાર્ય દ્વારા આયોજિત આ જ્ઞાનયજ્ઞમાં માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નહીં, પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાયા હતા. વર્તમાન સમયમાં પર્યાવરણનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે, ત્યારે કથાના માધ્યમથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને પરિણામલક્ષી સદ્કાર્યો થાય તેવો અભિગમ રાખવામાં આવ્યો છે.
આમ, ગણેશપુરા ખાતે યોજાયેલી આ ભાગવત કથા ભક્તિ અને પ્રકૃતિના સુંદર સમન્વય સમાન સાબિત થઈ છે. કથા દરમિયાન થયેલું વૃક્ષારોપણ અને પર્યાવરણલક્ષી બોધ ભવિષ્યમાં હરિયાળી ક્રાંતિ માટે પ્રેરક બળ પૂરું પાડશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
