<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

સુરતના આંતરરાષ્ટ્રીય સપનાઓને મોટો ફટકો: શારજાહ-દુબઈ બાદ હવે બેંગકોક ફ્લાઈટ પર પણ લાગ્યું ગ્રહણ

એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા ૧ જુલાઈથી બુકિંગ બંધ; નફાના અભાવે ‘ડાયમંડ સિટી’ની ગ્લોબલ કનેક્ટિવિટી જોખમાઈ.

સુરત:ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે જાણીતા સુરત શહેરની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને લઈને અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરતથી બેંગકોક જતી તેની સીધી ફ્લાઈટ સેવા બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ શારજાહ અને દુબઈ જેવા મહત્વના રૂટ બંધ થયા બાદ હવે બેંગકોક ફ્લાઈટ પણ બંધ થતા સુરતના ઉડ્ડયન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે.
નફાના અભાવે લેવાયો નિર્ણય
પ્રાપ્ત વિગતો મુજબ, સુરત-બેંગકોક રૂટ એરલાઈન કંપની માટે આર્થિક રીતે સધ્ધર સાબિત થયો નથી. અપેક્ષા મુજબનો નફો ન મળતા કંપનીએ આગામી ૧ જુલાઈથી આ રૂટ પર પોતાની પાંખો સંકેલી લેવાનું નક્કી કર્યું છે. હાલમાં આ ફ્લાઈટ અઠવાડિયામાં ૪ દિવસ કાર્યરત છે, પરંતુ જુલાઈ મહિનાથી તેનું બુકિંગ સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.
પ્રવાસીઓ અને વેપારીઓમાં રોષ
સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો વેપાર અને પ્રવાસ અર્થે બેંગકોક જતા હોય છે. આ સીધી સેવા બંધ થવાથી હવે પ્રવાસીઓએ ફરજિયાતપણે મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ પર નિર્ભર રહેવું પડશે, જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થશે. સ્થાનિક વેપારી આલમમાં આ નિર્ણયને પગલે ભારે નિરાશા જોવા મળી રહી છે.
શું સુરતનું ‘ઈન્ટરનેશનલ’ સ્ટેટસ માત્ર કાગળ પર?
સુરત એરપોર્ટના રનવે અને ટર્મિનલના વિસ્તરણ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, એક પછી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ થઈ રહી છે. આ પરિસ્થિતિ સુરત એરપોર્ટની વિશ્વસનીયતા અને ભવિષ્યના વિકાસ સામે અનેક પ્રશ્નાર્થો ઉભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક નેતાઓ અને એરપોર્ટ ઓથોરિટી આ ગંભીર મુદ્દે કેવા પગલાં ભરે છે.

(2:10 PM IST)