<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

અમદાવાદમાં 'સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026' સંપન્ન : કન્ટેન્ટ ક્રિએટરોને 'વન મેન આર્મી' ગણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આયોજિત મહોત્સવમાં ડિજિટલ સર્જકોનું બહુમાન : ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે ‘વોકલ ફોર લોકલ’ના બ્રાન્ડ એમ્બેસેડર બનવા મુખ્યમંત્રીનું પ્રેરક આહ્વાન

અમદાવાદ: અમદાવાદમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા આયોજિત “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026” મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનારા કન્ટેન્ટ ક્રિએટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સર્જનાત્મકતા એ નવી વિચારધારાનું માધ્યમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કન્ટેન્ટ ક્રિએટરોને સંબોધતા જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં સર્જકો પોતાની કળા દ્વારા નવી વિચારધારા અને હકારાત્મક સંદેશા છેવાડાના માનવી સુધી પહોંચાડી રહ્યા છે. તેમણે આ ડિજિટલ ક્રાંતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ ગણાવતા ઉમેર્યું કે, છેલ્લા ૧૨ વર્ષમાં દેશે અનુભવેલા ડેટા રિવોલ્યુશનને કારણે આજે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ વૈશ્વિક સંવાદનું માધ્યમ બન્યા છે.
ક્રિએટર્સ માટે રૂ. 250 કરોડની જોગવાઈ
ભૂપેન્દ્રભાઈએ કન્ટેન્ટ ક્રિએટરોને ‘વન મેન આર્મી’ તરીકે બિરદાવતા કહ્યું કે, તેઓ સ્થાનિક સંસ્કૃતિને વિશ્વ ફલક પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રાજ્ય સરકારે કન્ટેન્ટ કલ્ચર અને ઓરેન્જ ઇકોનોમીને વેગ આપવા માટે ટેલેન્ટ ડેવલપમેન્ટ અર્થે રૂ. ૨૫૦ કરોડની બજેટ જોગવાઈ કરી છે. તેમણે સર્જકોને ‘રાષ્ટ્ર પ્રથમ’ના અભિગમ સાથે કામ કરવા અને ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણમાં ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
કલાકારો અને સર્જકોનું સન્માન
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જાણીતા અભિનેતા હિતેન કુમાર, પ્રફુલ કેતકર, પ્રફુલ ગર્ગ, મીનાક્ષી શેરાવત, નિખિલ ચંદવાણી, કુશલ મિસ્ત્રી, વિશાલ પારેખ, માહી પટેલ, કુલદીપસિંહ ક્લેર, શિવાની શુક્લ, આર.જે. હર્ષિલ, મંગેશ પ્રજાપતિ અને જય ગજેરા સહિતના કન્ટેન્ટ ક્રિએટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક ઉભરતા (રાઇઝિંગ) સ્ટાર્સને પણ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક સુનિલ આંબેડકર, પ્રાંત પ્રચારક તેજસ પટેલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ડિજિટલ સર્જકો ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટિવલે ગુજરાતના કન્ટેન્ટ ક્રિએટરોને એક નવું પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

(9:28 PM IST)