તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ઉમરેઠ બેઠક પર જયંત બોસ્કીની પીછેહટ : ભાજપ ,કોંગ્રેસ અને 'આપ' વચ્ચે હવે જામશે ત્રિપાંખીયો જંગ
-- ભાજપે એકમાત્ર ઉમરેઠ વિધાનસભા બેઠક પર પ્રચાર પ્રસાર માટે 40 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી

અમદાવાદ :રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણી આયોજીત થઈ રહી છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર પેટા ચૂંટણી આયોજીત થવા જઈ રહી છે ત્યારે ભાજપે એકમાત્ર ઉમરેઠ વિધાનસભા બેઠક પર પ્રચાર પ્રસાર માટે 40 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આ બેઠક પરના રાજકીય સમીકરણો આ વખતે કેવો રંગ દેખાડશે તેના પર સૌની નજર ટકેલી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચુકી છે ત્યારે રાજ્યમાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ સાથે સાથે જાહેર થઈ છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું બિમારી બાદ નિધન થતા ખાલી પડેલી ઉમરેઠ બેઠક યોજાનારી પેટા ચૂંટણી પર મુખ્ય રાજકીય પક્ષો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ નજર ઠેરવી છે. જોકે ઉમરેઠ બેઠક પર આ ત્રણ પક્ષ સિવાય એનસીપી પણ મહત્વનો ભાગ ભજવશે તેમ લાગી રહ્યુ હતુ પરંતુ એનસીપીના જયંદ બોસ્કીએ આ વખતે ચૂંટણીમાં નહીં ઝંપલાવવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. જો બોસ્કી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોત તો રાજકીય સમીકરણો કંઈક અલગ જ રહેવાના હતા. જોકે હવે ઉમરેઠ બેઠક પર ત્રીપાંખીયો જંગ છેડાશે જેના પર સૌની નજર બનેલી છે.
ઉમરેઠ બેઠક પર ભાજપે સ્વ. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટીકીટ આપીને વારસાઈ હક જાળવી રાખ્યો છે તો કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર તેનો ઉમેદવાર ઉતારવા જઈ રહી છે. જોકે એનસીપીના જયંત બોસ્કીએ ચૂંટણીથી દૂર રહેવાની જાહેરાત કરી છે. ચૂંટણી જાહેર થઈ ત્યારે પોતાના સોશિયલ મિડીયા અકાઉન્ટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરનારા જયંત બોસ્કીએ જણાવ્યુ હતુ કે, આ પેટા ચૂંટણી છે અને તેની સમયમર્યાદા માત્ર 11 મહિનાની જ છે. માટે મોટા પાયે ખર્ચ કરીને 11 મહિના માટેની સમયમર્યાદા માટે લડવાનો કોઈ મતલબ નથી. તેમના બદલે એનસીપી કોઈ અન્ય ઉમેદવારને પણ ઉતારશે નહી તેમ પણ બોસ્કીએ જણાવ્યુ હતુ.
ઉમરેઠ બેઠકનો રાજકીય ઈતિહાસ ચકાસીએ તો વર્ષ 1972 થી 1985 સુધી આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયેલો છે. વર્ષ 1990માં સુભાષ શેલત જનતા પાર્ટીમાંથી લડ્યા અને વિજય થયા બાદ 1995માં શેલતે પાર્ટી બદલી કોંગ્રેસમાંથી લડ્યા અને ફરી બે ટર્મ સુધી વિજેતા થયા. આ રીતે વર્ષ 1995 અને વર્ષ 1998માં ઉમરેઠ બેઠક કોંગ્રેસના હાથમાં રહી. વર્ષ 2002માં ભાજપના વિષ્ણુ પટેલ આ બેઠક પર વિજેતા થતાં પ્રથમ વખત ઉમરેઠ બેઠક પર ભાજપનું ખાતુ ખુલ્યુ. ફરી વર્ષ 2007માં કોંગ્રેસના લાલસિંહ વડોદિયા આ બેઠક પર વિજયી થયા અને ફરી ઉમરેઠ બેઠક કોંગ્રેસના હાથમાં ગઈ. જોકે વર્ષ 2012માં એનસીપીના જયંત પટેલ બોસ્કી આ બેઠક પર વિજેતા થયા. છેલ્લે વર્ષ 2017માં ભાજપના ગોવિંદ પરમાર 26,000થી વધુ મતોની જંગી લીડથી જીત્યા. જોકે તાજેતરમાં જ બિમારી બાદ ગોવિંદ પરમારનું અવસાન થતા હવે ભાજપે આ બેઠક પર ગોવિંદ પરમારના પુત્રને ટિકીટ આપી છે.
ઉમરેઠ બેઠક પર 2.74 લાખ મતદારો છે જે પૈકી 54 ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય જ્ઞાતિના છે. સ્વ. ગોવિંદ પરમાર પણ ઠાકોર-ક્ષત્રિય જ્ઞાતિના હતા અને હવે ભાજપે તેમના પુત્રને મેદાનમા ઉતાર્યા છે. ઠાસરા સરહદના ગ્રામીણ વિસ્તારોમાં આ જ્ઞાતિનું પ્રભુત્વ વધુ જોવા મળે છે. પાટીદાર મતદારો ઉમરેઠ શહેર, ઓડ અને થામણા વિસ્તારોમાં ફેલાયેલા છે જેની સંખ્યા લગભગ 22 ટકા જેટલી છે. જ્યારે 10 થી 12 ટકા જેટલા લઘુમતી સમાજના મત પણ છે. આવા સંજોગોમાં મતદારો હવે કોના તરફ પસંદગીનો કળશે ઢોળે છે તે જોવાનું રહે છે. કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ બહોળો રાજકીય અનુભવ ધરાવતા નેતા છે. ભૃગુરાજસિંહ 15 વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચુક્યા છે.
ઉમરેઠ વિધાનસભા બેઠક પર પ્રચાર પ્રસાર માટે ભાજપે કમર કસી છે અને એકસાથે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના 40 સિનિયર નેતાઓના નામનું લિસ્ટ ભાજપે જાહેર કર્યુ છે. આ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે હવે ઉમરેઠને ઘમરોળશે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
