તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ગુજરાતમાં રાજકીય ગરમાવો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વળતો પ્રહાર કરી ગણાવ્યું 6 કરોડ ગુજરાતીઓનું અપમાન
ગાંધી અને સરદારની પવિત્ર ધરતીની ગરિમાને ઠેસ પહોંચાડતી ટિપ્પણી અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિથી કોંગ્રેસ અસુરક્ષિત હોવાનો મુખ્યમંત્રીનો દાવો

ગાંધીનગર: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકોના સંદર્ભમાં આપવામાં આવેલા એક નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આકરી પ્રતિક્રિયા આપતા ખડગેના નિવેદનને ગંભીરતાથી લીધું છે અને તેને સમગ્ર ગુજરાત અને તેના મહાન સપૂતોનું અપમાન ગણાવ્યું છે.
ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માત્ર છ કરોડ ગુજરાતવાસીઓનું અપમાન નથી, પરંતુ તે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ અને એકતાના કાર્યોમાં અગ્રેસર રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે. કોંગ્રેસના નેતાઓના આવા નિવેદનો તેમની સંકીર્ણ માનસિકતાને છતી કરે છે.
વિકાસની રાજનીતિથી કોંગ્રેસ અસહજ:
ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને જે રીતે વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે, તેનાથી કોંગ્રેસ અત્યંત અસહજ અને અસુરક્ષિત અનુભવી રહી છે. આ પ્રકારની ટિપ્પણીઓ કોંગ્રેસની હતાશા દર્શાવે છે. ગુજરાતની જાગૃત જનતા આવા અપમાનજનક નિવેદનોનો યોગ્ય જવાબ આપતા જાણે છે.
કેરળની જનતા પણ કોંગ્રેસને નકારશે:
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે રીતે ગુજરાતમાં કોંગ્રેસને જનતાએ જાકારો આપ્યો છે, તે જ રીતે આગામી સમયમાં કેરળની જનતા પણ કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિને નકારી કાઢશે. કેરળમાં પણ જનતા ભાજપની વિકાસલક્ષી રાજનીતિનું સમર્થન કરશે તે નિશ્ચિત છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીને લઈને ભાજપ હવે આક્રમક મૂડમાં છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
