<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

કુલ ૧૧૦૦૦ બુથ સંવેદનશીલઃ ચૂંટણી સુધી પોલીસની રજા રદ

ગુજરાતમાં આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્‍શન મોડમાં

અમદાવાદ,તા.૦૬: ગુજરાતમાં આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્‍શન મોડમાં આવી ગયું છે. ૧૫ મહાનગરપાલિકાઓ અને જિલ્‍લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે રાજ્‍યના સવા લાખ પોલીસકર્મીઓની રજાઓ તાત્‍કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.

સુરક્ષા વ્‍યવસ્‍થાની મુખ્‍ય વિગતો અંગે વાત કરીએ તો કુલ ૪૮,૫૯૧ મતદાન બુથ છે.  ૧૧,૦૦૦ સંવેદનશીલ બુથ છે. સવા લાખ પોલીસકર્મીઓ ઉપરાંત હોમગાર્ડ્‍સ, ટ્રાફિક બ્રિગેડ અને અર્ધલશ્‍કરી દળો છે. અતિ સંવેદનશીલ વિસ્‍તારોમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવશે.

ચૂંટણીની જાહેરાત સાથે જ પોલીસ વિભાગ માટે આકરી કસોટી શરૂ થઈ છે. આખો એપ્રિલ મહિનો પોલીસ કાફલાએ સ્‍ટેન્‍ડ-ટુ રહેવું પડશે. માત્ર બંદોબસ્‍ત જ નહીં, પણ સ્‍ટ્રોંગરૂમની સુરક્ષા અને મતદાન મશીનોના ડિસ્‍પેચ-રીસીવીંગ સેન્‍ટરો પર પણ લોખંડી બંદોબસ્‍ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ચૂંટણી બંદોબસ્‍તમાં રોકાયેલા તમામ જવાનો પોસ્‍ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેમની વિગતો મંગાવવામાં આવી છે. વૈશ્વિક અને સ્‍થાનિક તણાવ વચ્‍ચે, રાજ્‍યમાં ૪.૧૯ કરોડ મતદારો શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ અને સુરક્ષા દળો દિવસ-રાત કાર્યરત રહેશે.

(10:43 AM IST)