News of Monday, 6th April 2026
તાપી જિલ્લામાં સોનગઢ ના રામપુરા કાનાદેવી ગામમાં ‘તું મારી પત્નીને જોવા કેમ આવે છે’કહી એક યુવાને સોનગઢ પોલીસના GRD જવાનના માથે પથ્થર ઝીંકાયો
જી.આર.ડી. તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ ગામીત પર ગામના જ એક શખ્સે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી

તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના રામપુરા કાનાદેવી ગામમાં સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ચકચાર મચી ગઈ છે. સોનગઢ પોલીસમાં જી.આર.ડી. તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ ગામીત પર ગામના જ એક શખ્સે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ પોલીસે ગુનો નોંધી હુમલાખોરની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.
વિગત મુજબ, રાહુલભાઈ પોતાના નવા બની રહેલા મકાન માટે ઈંટો ગોઠવવા મજૂરોની શોધમાં હતા. શનિવારે રાત્રે તેઓ મિત્ર જિજ્ઞેશ સાથે મોટરસાયકલ પર દાદરી ફળીયામાં સુનિલ ગામીતની દુકાન પાસે પહોંચ્યા હતા. ત્યાં ઉભેલા અન્ય એક યુવાન સાથે રાહુલભાઈ મજૂરી અંગે વાત કરી રહ્યા હતા, ત્યારે દુકાનદાર સુનિલ અચાનક બહાર ધસી આવ્યો હતો. "તું મારી પત્નીને જોવા કેમ આવે છે?"તેવો ખોટો વહેમ રાખી સુનિલે ઝઘડો શરૂ કર્યો હતો. રાહુલભાઈએ સ્પષ્ટતા કરી હોવા છતાં ઉશ્કેરાયેલા સુનિલે ગાળો આપી જમીન પરથી મોટો પથ્થર ઉપાડી રાહુલભાઈના માથામાં ઝીંકી દેવામાં આવ્યો હતો. પથ્થર વાગતા જ રાહુલભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સોનગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઈજાને પગલે માથાના ભાગે 6 ટાંકા આવ્યા છે.સોનગઢ પોલીસએ ગુનો નોંધી હુમલાખોરની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
