<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

અરવલ્લીના માલપુર સ્થિત વાત્રક જળાશયમાંથી કેનાલોમાં પાણી છોડવાનો નિર્ણયથી ખેડૂતોમાં આનંદની લાગણી

જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાયું :આ પાણીના પ્રવાહથી માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના અંદાજે 3500 જેટલા ખેડૂતોને સીધો લાભ થશે

અરવલ્લી જિલ્લાના માલપુર સ્થિત વાત્રક જળાશયમાંથી કેનાલોમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઉનાળુ પાકને બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ નિર્ણયથી હજારો ખેડૂતોને મોટી રાહત મળી છે.

જળાશયમાંથી પાણી છોડવાની વિગતો જોઈએ તો, જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીના પ્રવાહથી માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના અંદાજે 3500 જેટલા ખેડૂતોને સીધો લાભ થશે. આ નિર્ણયથી કુલ 1500 હેક્ટર જમીન પિયત હેઠળ આવતા મકાઈ, બાજરી અને જુવાર જેવા મુખ્ય ઉનાળુ પાકોને નવું જીવનદાન મળશે.

તંત્ર દ્વારા પાણીનો આ રાઉન્ડ 10 થી 12 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. કેનાલોમાં પાણી આવતા ખેડૂતોએ પાકને યોગ્ય રીતે પિયત આપી શકવાની આશા વ્યક્ત કરી છે, જેના કારણે ખેતીના કામોમાં વેગ આવશે.

(11:40 AM IST)