<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

મહેમદાવાદ માર્કેટ યાર્ડમાં તસ્કરો ત્રાટક્યા :7 થી 8 અનાજ- કરિયાણાની દુકાનોના તાળા તોડી ચોરી : પોલીસ પહોંચી

પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના મહેમદાવાદ નગરપાલિકા વિસ્તારમાં ગત મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવતા ચોરીની મોટી ઘટના સામે આવી છે. મહેમદાવાદના મુખ્ય બજારમાં આવેલા માર્કેટયાર્ડમાં અજાણ્યા ચોરએ એકસાથે અંદાજિત 7 થી 8 જેટલી દુકાનોને નિશાન બનાવી હતી.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, માર્કેટયાર્ડમાં આવેલી અનાજ-કરિયાણાની દુકાનોના તાળા તોડીને ચોર ઈસમો અંદર પ્રવેશ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સવારે જ્યારે વેપારીઓ પોતાની દુકાને પહોંચ્યા ત્યારે તાળા તૂટેલા જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા વેપારીઓમાં રોષ અને ફફડાટ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતા જ મહેમદાવાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે માર્કેટયાર્ડમાં પ્રાથમિક તપાસ હાથ ધરીને પંચનામું કરવાની તજવીજ શરૂ કરી છે. આ ચોરીમાં કેટલી રોકડ રકમ કે મુદ્દામાલની ચોરી થઈ છે તેની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ કરી રહી છે.

(1:54 PM IST)