તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
અમદાવાદના ચાંદખેડામાં ઢોંસાના ખીરાથી ફૂડ પોઈઝનિંગ !: 3 મહિના અને 4 વર્ષની બે બાળકીઓના મોત: દંપતી ગંભીર
માત્ર બે દિવસ અગાઉ બજારમાંથી લાવેલા ઢોંસાના ખીરાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં માત્ર બે દિવસ અગાઉ બજારમાંથી લાવેલા ઢોંસાના ખીરાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. ઝેરી ખોરાકની અસરને કારણે 3 મહિના અને 4 વર્ષની બે માસૂમ બાળકીઓના કરુણ મોત નીપજ્યા છે.
મળતી વિગતો અનુસાર, બે દિવસ પહેલા ચાંદખેડામાં રહેતા એક પરિવારે રાત્રિના ભોજનમાં ઢોંસા બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે સ્થાનિક બજારમાંથી તૈયાર ખીરું મંગાવ્યું હતું. ઢોંસા ખાધાના થોડા જ સમય બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત લથડવા માંડી હતી. સતત ઉલટી અને ઝાડા થવાને કારણે પરિવારના સભ્યો લોથપોથ થઈ ગયા હતા.
આ ફૂડ પોઈઝનિંગની સૌથી ગંભીર અસર બે નાની બાળકીઓ પર થઈ હતી. 3 મહિનાની દૂધ પીતી બાળકી અને 4 વર્ષની મોટી બહેનના શરીર ઝેરી ખોરાક સામે ટકી શક્યા નહીં અને સારવાર મળે તે પહેલા જ બંનેના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.
બંને બાળકીઓના માતા-પિતાની હાલત પણ અત્યંત નાજુક છે. હાલમાં તેઓ એક ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ઝેરની અસર લોહીમાં પ્રસરી ગઈ હોવાથી તેમની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
