<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

૬ એપ્રિલ... ઐતિહાસિક દિવસઃ મીઠાના કાળા કાયદાને પડકારવા દાંડીકૂચ કરી કર્યો મીઠાનો સત્‍યાગ્રહ

ગાંધીજીએ ૭૯ સાથીઓ સાથે આશરે ૩૮૬ કિમીની કરી હતી દાંડીકૂચ : ‘‘મૈને નમક કા કાનુન તોડ દિયા.'' ‘‘હું બ્રિટિશ સામ્રાજ્‍ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું''.....ગાંધીજીઃ ૧૯૩૧ માં ગાંધીજી અને કરાર થયા બાદ આવ્‍યો નમક સત્‍યાગ્રહનો અંત ૧૦ પાઇના મીઠા ઉપર અંગ્રેજોએ લગાડયો હતો ૨૦૦ પાઇ જેટલો ભારે કર ગાંધીજી એ શરૂ કર્યો

જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ દાંડીકૂચ અને મીઠા ના સત્‍યાગ્રહ માટે ૬ એપ્રિલનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયો હતો, ૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ મહાત્‍મા ગાંધીજી એ એક મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાળા કાયદા નો ભંગ કરી અંગ્રેજોને પડકાર્યા હતા.

દાંડી કૂચ અને અંગ્રેજોએ લાગુ કરેલ મીઠા ના કાળા કાયદા વિશે જોઈએ તો તે સમયે અંગ્રેજો એ ૧૦ પાઇના મીઠા ઉપર ૨૦૦ પાઇ જેટલો ભારે કર લગાવ્‍યો હતો, મીઠું એટલે આર્થિક સુખી કે મધ્‍યમ વર્ગ કે ગરીબ વર્ગ તમામ પ્રજાજનોની જરૂરિયાતની વસ્‍તુ હતી, ભારતીયો એ બ્રિટિશરો પાસે થી ફરજિયાત પણે કર ભરી આયાત કરેલ મોંઘા ભાવનું મીઠું ખરીદવાની ફરજ પાડવામાં આવી, અને ગાંધીજીએ આનો વિરોધ કર્યો અને ખુલ્લે આમ પડકાર ફેંકી  શરૂ કર્યો ‘‘દાંડીકૂચ સત્‍યાગ્રહ''.

ભારત ના સ્‍વાતંત્ર્ય આંદોલનના ઈતિહાસ માં ૧૯૩૦ ના વર્ષ માં ગાંધીજી એ ૬૧ વર્ષ ની વયે તેમના ૭૯ સાથી ઓ સાથે ૧૨ મી માર્ચ ૧૯૩૦ ના રોજ અમદાવાદના હરીજન આશ્રમ થી ૨૪૧ માઇલ એટલે કે આશરે ૩૮૬ કિમીના અંતરે જુના સુરત જીલ્લાના નવસારી નજીક દાંડી ગામ સુધી પગપાળા કૂચ કરી જે ૨૪ દિવસ સુધી ચાલેલ હતી.

આખરે ગાંધીજી એ ૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ સવારે બરોબર ૬.૩૦ કલાકે દરિયા કિનારે જામેલા મીઠાં માંથી એક મુઠ્ઠી મીઠું લઈ મીઠા ના અન્‍યાયી કાયદાનો ભંગ કરી કહ્યું  ‘‘ મૈંને નમક કા કાનૂન તોડ દિયા '' તેમ કહી ત્‍યાં હાજર રહેલા લોકો ને સંબોધી ગાંધીજીએ કહ્યું ‘‘ હું બ્રિટિશ સામ્રાજ્‍ય રૂપી ઇમારત ના પાયા માં લુ લગાડું છુ''.

દાંડીમાં આ મીઠાના કાયદાના ભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયા કિનારા તરફ આગળ વધ્‍યા, જેને પગલે દેશના વિવિધ ભાગોમાં મીઠાના સત્‍યાગ્રહો શરૂ થયા, આગળ ૫મી મે ૧૯૩૦ના રોજ ગાંધીજીની ધરપકડ થઈ પરંતુ સત્‍યાગ્રહ ના અટકયો, હવે આ આંદોલન ની નેતાગીરી અભય અબ્‍બાસ તૈયબજીને મળી, અને ત્‍યાર બાદ સત્‍યાગ્રહનું નેતળત્‍વ સરોજની નાયડુ એ સ્‍વીકાર્યું.

આ આંદોલન ની અસર દેશભર માં થઈ આખરે આ સત્‍યાગ્રહનું પરિણામ આવ્‍યું ૫મી માર્ચ ૧૯૩૧ના રોજ ગાંધીજી અને ઇરવિન સાથે કરાર થયા જેમાં, બ્રિટિશ સરકારે ભારતીયોને સમુદ્ર કિનારે પોતાના ઉપયોગ માટે મીઠું બનાવવાની મંજૂરી આપી, જોકે મીઠા પરનો કાયદો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્‍યો નહોતો, પરંતુ ગરીબ લોકોને ઘણી રાહત મળી, આ નિર્ણય ગાંધીજીની લડતનું મહત્‍વપૂર્ણ પરિણામ રહ્યું અને સવિનય અવજ્ઞા આંદોલન બંધ કરવાનો નિર્ણય લેવાયો, રાજકીય કેદીઓને મુક્‍ત કરવામાં આવ્‍યા તેમજ  ગાંધીજીને રાઉન્‍ડ ટેબલ કોન્‍ફરન્‍સમાં ભાગ લેવા આમંત્રણ અપાયું, અને નમક સત્‍યાગ્રહનો આવ્‍યો અંત.

જેની યાદ રૂપે ૧૫ એકર ની વિશાળ જગ્‍યા માં ‘‘રાષ્‍ટ્રીય નમક સત્‍યાગ્રહ સ્‍મારક'' બનાવ્‍યું જેમાં ગાંધીજીની વિશાળ પ્રતિમા ઉપરાંત ૭૮ જેટલા સત્‍યાગ્રહી ઓ ની મૂર્તિ પણ બનાવવા માં આવી છે, તેમજ આમાંય દાંડી યાત્રાનો સમગ્ર ઈતિહાસ દર્શાવવામાં આવ્‍યો છે, જેનું  ગત તા.૩૦ મી જાન્‍યુઆરી ૨૦૧૯ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના હસ્‍તે દાંડી ખાતે ઉદ્ધાટન કરાયું હતું.

આ ઘટના ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામની સૌથી પ્રેરણાદાયી અને ઐતિહાસિક ઘટનાઓ પૈકીની એક ગણાય છે, ગાંધીજીએ માત્ર એક ચપટી ઉપાડી કરેલ આંદોલને બ્રિટિશ સામ્રાજ્‍યને હલાવી કાયદો રદ કરવાની ફરજ પાડી હતી.

(4:28 PM IST)