<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ માટે પોલીસ કમિશનરનું કડક જાહેરનામું : ધાર્મિક સ્થળો, ખાનગી મિલકતો અને વગર પરવાનગીએ વાહનોના ચૂંટણી પ્રચાર પર મૂકાયો પ્રતિબંધ

૨૬મી એપ્રિલે મતદાન અને ૨૮મીએ મતગણતરી પૂર્વે આદર્શ આચારસંહિતાના અમલ માટે અનુપમસિંહ ગહલૌતે લીધો મહત્વનો નિર્ણય : ૩૦ એપ્રિલ સુધી જાહેરનામાનો ભંગ કરનાર સામે કરાશે દંડનીય કાર્યવાહી

સુરત : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી મહાનગરપાલિકા, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી-૨૦૨૬નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ સુરત સહિત સમગ્ર રાજ્યમાં આગામી ૨૬/૪/૨૦૨૬ના રોજ મતદાન અને ૨૮/૪/૨૦૨૬ના રોજ મતગણતરી યોજાવાની છે. આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે હેતુથી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે મિલકતોના રક્ષણ, વાહનોની નોંધણી અને ધાર્મિક સ્થળોના ઉપયોગ અંગે ત્રણ અલગ-અલગ મહત્વના જાહેરનામા બહાર પાડ્યા છે.

મિલકતોને નુકસાન પહોંચાડવા પર મનાઈ:
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, શહેરના કોઈપણ વિસ્તારમાં રાજકીય પક્ષો કે તેમના સમર્થકો માલિકની પરવાનગી વગર કોઈપણ ખાનગી કે જાહેર મિલકત, જમીન, દિવાલ કે કંપાઉન્ડ પર ચૂંટણીલક્ષી બેનર, ધ્વજ, પતાકા કે સૂત્રો લખી શકશે નહીં. જાહેર મકાનો જેવા કે ધોરીમાર્ગો, રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મિનલ અને ચાર રસ્તા પરના નોટિસ બોર્ડનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી મિલકતને નુકસાન પહોંચાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત એક પક્ષના કાર્યકરો અન્ય પક્ષની સભામાં જઈ પોતાના પક્ષના સાહિત્યનું વિતરણ કરી શકશે નહીં કે બીજા પક્ષના પોસ્ટરો દૂર કરી શકશે નહીં.

વાહનોની નોંધણી અને લાઉડસ્પીકરના નિયમો:
ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનોની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. કોઈપણ ઉમેદવાર કે કાર્યકર જે તે મતવિસ્તારના ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી અને નોંધણી વગર પ્રચારમાં વાહન જોડી શકશે નહીં. પ્રચાર માટે વપરાતા વાહનોની વિન્ડ સ્ક્રીન પર સત્તાવાર પરમિટ લગાડવી અનિવાર્ય રહેશે. સાથોસાથ, વગર પરવાનગીએ વાહનમાં લાઉડસ્પીકર લગાવી ચૂંટણી પ્રચાર કરવા પર પણ રોક લગાવવામાં આવી છે.

ધાર્મિક સ્થળોના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ:
ચૂંટણીમાં ધાર્મિક લાગણીઓનો ઉપયોગ અટકાવવા માટે પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા જેવા કોઈપણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આવા સ્થળોએ ભાષણો કરવા, પોસ્ટરો લગાવવા કે સંગીત વગાડી પ્રચાર કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

આ ત્રણેય જાહેરનામાનો અમલ ૩૦/૪/૨૦૨૬ સુધી સુરત શહેર પોલીસ કમિશનરેટની હદમાં રહેશે. આ નિયમોનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે પક્ષ વિરુદ્ધ કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

(6:27 PM IST)