<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના અપમાન મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આકરો પ્રહાર

સાડા છ કરોડ ગુજરાતીઓ અને ગાંધી-સરદારની ભૂમિને ‘અભણ-મૂર્ખ’ કહેનારા ખડગે જાહેર માફી માંગે : વિકાસની રાજનીતિથી ગભરાયેલી કોંગ્રેસની માનસિકતા વર્ષોજૂની હોવાનો ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીનો સણસણતો ટોણો

ગાંધીનગર:કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા અપમાનજનક નિવેદનથી રાજ્યભરમાં રોષની લાગણી ફેલાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિવેદનની આકરી આલોચના કરતા જણાવ્યું છે કે, ગુજરાત આ અપમાન ક્યારેય સહન નહીં કરે. તેમણે સ્પષ્ટ કર્યું કે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ પાવન ધરતીનું અપમાન કરનારા કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતીઓની માફી માંગવી જોઈએ. સાથોસાથ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ નિવેદનને ગુજરાતીઓના સ્વમાન પરનો હુમલો ગણાવી પાંચ વેધક સવાલો કર્યા છે.

કોંગ્રેસનું ગુજરાત વિરોધી વલણ વર્ષોજૂનું:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા નવી નથી. ભૂતકાળમાં પણ કોંગ્રેસની કેન્દ્ર સરકારોએ સરદાર સાહેબને ભારતરત્ન ન આપીને તેમની ઉપેક્ષા કરી હતી. નર્મદા ડેમના કામમાં રોડા નાખીને વર્ષો સુધી ગુજરાતને પાણી માટે તરસાવ્યું હતું. એટલું જ નહીં, જ્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની રહી હતી, ત્યારે પણ કોંગ્રેસે અડચણો ઊભી કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને મળતા સમર્થનથી કોંગ્રેસ હવે અસુરક્ષિત અનુભવી રહી છે અને બોખલાટમાં આવા નિવેદનો કરી રહી છે.

ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન:
ખડગેના ‘અભણ’ વાળા નિવેદન સામે સવાલ ઉઠાવતા ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના વિકાસના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જે રાજ્ય દેશના GDPમાં 8% થી વધુ યોગદાન આપે છે, ઔદ્યોગિક ઉત્પાદનમાં 17% અને ફાર્મા માર્કેટમાં 30% હિસ્સો ધરાવે છે, તેને અભણ કહેવું એ કોંગ્રેસની હીન માનસિકતા દર્શાવે છે. આજે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગિફ્ટ સિટી, સાણંદ ઓટો હબ અને ધોલેરા સેમિકન્ડક્ટર હબ તરીકે વિશ્વ નકશા પર ચમકી રહ્યું છે.

હર્ષ સંઘવીના પાંચ સણસણતા સવાલો:
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અધ્યક્ષને ઘેરતા પૂછ્યું કે, "ગાંધીજી અને સરદાર સાહેબની ધરતીને અપમાનિત કરતા તમને શરમ ન આવી?" તેમણે વેધક પ્રશ્ન કર્યો કે, જ્યાં સુધી કોંગ્રેસ જીતતી હતી ત્યાં સુધી જનતા સારી હતી અને હવે હાર ભાળી જતાં જ ગુજરાતીઓ ખરાબ થઈ ગયા? હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, દરેક ચૂંટણીમાં ગુજરાતીઓને જ કેમ નિશાન બનાવી ગાળો આપવામાં આવે છે? આ નફરતનું મૂળ શું છે તે ખડગેએ સ્પષ્ટ કરવું પડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, હારના ડરથી બોખલાયેલી કોંગ્રેસને જનતા જનાર્દન આગામી સ્થાનિક સ્વરાજની અને વિધાનસભાની ચૂંટણીઓમાં ફરી એકવાર જડબાતોડ જવાબ આપીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપને ભવ્ય વિજય અપાવશે.

(7:00 PM IST)