News of Monday, 6th April 2026
અમદાવાદમાં હવે સ્પાની આડમાં ડ્રગ્સનું વેચાણ :સાણંદ પોલીસે યુવતી અને બોયફ્રેન્ડ સહિત 4 આરોપીને ઝડપ્યા
સાણંદ પોલીસે બાતમીનાં આધારે નાળાની ભાગોળ ખાતે ધવલ ઉર્ફે લવલી દરજીની બાબા ફેશન નામની કપડાની દુકાનમાં દરોડા પાડ્યા: 2.14 લાખની કિંમતનું 21.48 ગ્રામ મેફેડ્રોન મળ્યું

અમદાવાદ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ નશાકારક પદાર્થનું વેચાણ શરૂ થયું હોય તેવી ઘટના સામે આવી છે, સાણંદ પોલીસે બાતમીનાં આધારે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી, જોકે તેની તપાસમાં સ્પામાં કામ કરતી યુવતી અને અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યા, સ્પામાં કામ કરતી યુવતી જ ડ્રગ્સ સપ્લાય કરતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે, તેવામાં હવે સ્પાની આડમાં ડ્રગ્સ ડિલ થતી હોય તેવો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફીઝા ઉર્ફે મુસ્કાન પઠાણ, વિક્કી ઠાકોર, ધવલ દરજી અને જય પટેલની ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરવાનાં ગુનામાં ધરપકડ કરી છે, સાણંદ પોલીસે બાતમીનાં આધારે નાળાની ભાગોળ ખાતે ધવલ ઉર્ફે લવલી દરજીની બાબા ફેશન નામની કપડાની દુકાનમાં દરોડા પાડ્યા, જ્યાંથી 2.14 લાખની કિંમતનું 21.48 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યો, જેથી ગુનો દાખલ કરી તપાસ કરતા અન્ય આરોપીઓ સાથેનું ડ્રગ્સનુ નેટવર્ક સામે આવ્યું છે.
આરોપી ધવલ ઉર્ફે લવલી દરજીની પુછપરછમાં સામે આવ્યું કે તે સ્પામાં કામ કરતી ફીઝા ઉર્ફે મુસ્કાન પઠાણ પાસેથી આ ડ્રગ્સ ખરીદીને લાવ્યો હતો અને છુટકમાં વેચાણ કરતો હતો, તે થોડા સમય પહેલા ફીઝા ઉર્ફે મુસ્કાનને સ્પામાં મળ્યો હતો અને બાદથી બન્ને જણાએ ભેગા મળી ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યું હતું, આ રીતે મુસ્કાને ધવલને અગાઉ પણ બેથી ત્રણ વખત ડ્રગ્સ વેચાણ માટે આપ્યું છે.પોલીસે રેડ કરી ત્યારે ડ્રગ્સની ડિલિવરી કરવા માટે વિક્કી ઠાકોર અને જય પટેલ આવ્યા હતા. જેથી તે બન્નેની તપાસમાં પણ અનેક ખુલાસા થયા છે.
પકડાયેલા આરોપીમાં વિક્કી ઠાકોર ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. વિક્કી ઠાકોર મુસ્કાનનો બોયફ્રેન્ડ છે અને મુસ્કાન મૂળ ઉદેપુરની રહેવાસી છે અને પોતાનું નામ બદલીને અમદાવાદમાં રહી જુદા જુદા સ્પામાં કામ કરવાની સાથે ડ્રગ્સનો વેપાર કરતી હતી. જોકે મુસ્કાન ઉર્ફે ફિઝા પઠાણને આ ડ્રગ્સ મુંબઈ અને રાજસ્થાનથી પુરો પાડવામાં આવતો હતો, તેવામાં પોલીસે તમામ આરોપીઓને પકડી આગળની ચેઈન અંગે તપાસ શરૂ કરી છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
