<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ચીખલીની વિન્ડસન કંપનીમાં ટેન્કરમાં વેલ્ડિંગ દરમિયાન અચાનક આગ લાગતા શ્રમિકનું મોત

સેફ્ટી સાધનો વગર ટેન્કરમાં વેલ્ડિંગ કામ કરતી વખતે અચાનક આગ ફાટી નીકળતા કામદાર રાજેશ પટેલનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની વિન્ડસન કંપનીમાં ટેન્કરમાં વેલ્ડિંગ કામ દરમિયાન અચાનક ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં વેલ્ડિંગ કરી રહેલા એક નિર્દોષ કામદારનું ગંભીર રીતે દાઝી જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

 

મૃતક કામદારની ઓળખ રાજેશ પટેલ તરીકે થઈ છે. દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત કામદારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. છેલ્લા દોઢ કલાકથી હોસ્પિટલમાં મૃતદેહ સ્વીકારવા અને ન્યાય માટે રાહ જોઈ રહેલા રાજેશ પટેલના પરિજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે કંપનીના માલિક અને મેનેજમેન્ટની બેદરકારીને કારણે જ આ મોત થયું છે.

ચીખલી પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને કંપની ખાતે પહોંચી ગયો છે. મૃતકના પરિજનોએ કંપનીના માલિક, મેનેજર અને સેફ્ટી ઓફિસર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કંપનીમાં સુરક્ષાના કયા કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(8:28 PM IST)