<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે જામ્યો જંગ : આજે છ ઉમેદવારોએ નામાંકન પત્રો રજૂ કર્યા

કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ અને રજનીકુમારી ચૌહાણ સહિત અપક્ષ ઉમેદવારોએ નોંધાવી દાવેદારી : ૨૩મી એપ્રિલે યોજાનાર મતદાન પૂર્વે રાજકીય ગરમાવો વધ્યો

આણંદ:ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની પ્રક્રિયા તેજ બની છે. આગામી ૨૩મી એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને ઉમેદવારી પત્રો ભરવાના તબક્કા હેઠળ આજે તા. ૦૬-૦૪-૨૦૨૬ના રોજ કુલ ૬ ઉમેદવારોએ નામાંકન પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા છે. ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગત ૩૦ માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટેની સત્તાવાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

મેદાનમાં ઉતરેલા મુખ્ય ઉમેદવારોની વિગત:
આજના દિવસે નોંધાયેલા ઉમેદવારોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ અને રજનીકુમારી ચૌહાણે પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે. આ ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આજના દિવસે ફોર્મ ભરનાર ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:

૧. જીતેશકુમાર સેવક (અપક્ષ)
૨. મહેન્દ્ર પરમાર (અપક્ષ)
૩. ભૃગુરાજસિંહ ચૌહાણ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)
૪. રજનીકુમારી ચૌહાણ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)
૫. નિરૂપાબેન માધુ (અપક્ષ)
૬. સુનીલકુમાર ભટ્ટ (રાઈટ ટુ રિકોલ પાર્ટી)

સોગંદનામા ઓનલાઇન જોઈ શકાશે:
ચૂંટણી પંચની કડક સૂચના મુજબ, તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રોની સાથે સોગંદનામું (એફિડેવિટ-ફોર્મ-૨૬) રજૂ કરવું અનિવાર્ય છે. વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા આ સોગંદનામા ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવશે. સામાન્ય નાગરિકો અને મતદારો ઉમેદવારોની વિગતો જાણવા માટે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની સત્તાવાર વેબસાઈટ લિંક પર જઈને આ સોગંદનામા જોઈ શકશે.

ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી જાહેર થતા જ સ્થાનિક સ્તરે રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી ચિત્ર વધુ સ્પષ્ટ થશે. ૨૩મી એપ્રિલે થનાર મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

(10:03 PM IST)