<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે

કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તેજ પવન ફૂંકાઈ શકે :પવનની ઝડપ આશરે 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી પ્રમાણે  રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે, કારણ કે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી બે મહત્વપૂર્ણ સિસ્ટમ સક્રિય છે. આ બંનેના પ્રભાવથી વાતાવરણમાં અસ્થિરતા વધશે અને કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે. પવનની ઝડપ આશરે 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.  6 થી 12 એપ્રિલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી કમોસમી વરસાદ પડી શકે છે. 

ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. સાથે જ કચ્છ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને નર્મદા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, જેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતોને ખાસ કરીને પાકની સુરક્ષા માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, માછીમારોને દરિયામાં ન જવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે. 

(10:58 PM IST)