<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ગુજરાતમાં તોફાની વાવાઝોડા સાથે આ વર્ષે ચોમાસાનું આગમન થશે

આગામી 15 મે થી 15 જૂન, 2026ના 30 દિવસ દરમિયાન અરબ સાગરની અંદર મજબૂત વાવાઝોડું બને તેવી શક્યતા

અમદાવાદ :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રના અનેક ભાગોમાંથી ભરઉનાળે ગાજવીજ સાથે મુશળધાર માવઠું વરસતાં ચોમાસું બેસી ગયો હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસો તેમજ 2026ના ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે. જેની અસરના ભાગરૂપે 7 એપ્રિલે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા રાજ્યના ભાગોમાં તીવ્રતા સાથે માવઠું વરસશે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં સામાન્ય ઝાપટા પડી શકે છે.

 

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 15 મે થી 15 જૂન, 2026ના 30 દિવસ દરમિયાન અરબ સાગરની અંદર મજબૂત વાવાઝોડું બને તેવી શક્યતા સેવાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને દરિયાઈ સપાટીના વધતા તાપમાનને કારણે હવે વાવાઝોડાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ દર 5-10 વર્ષે વાવાઝોડા આવતા હતા, પરંતુ હવે દર વર્ષે એક થી વધુ વાવાઝોડા બની રહ્યા છે.

જો વાવાઝોડું બંગાળની ખાડીમાં બને તો ગુજરાતને ખાસ ખતરો હોતો નથી, પરંતુ અરબ સાગરમાં બનતું વાવાઝોડું ગુજરાત માટે જોખમી સાબિત થઈ શકે છે. આ વાવાઝોડાને કારણે કદાચ ચોમાસાની શરૂઆતમાં જ વાવણી થઈ શકે છે, અથવા તો તે ઓમાન તરફ ફંટાઈ શકે છે અથવા દરિયામાં જ નિષ્ક્રિય થઈ શકે છે. જોકે વાવાઝોડું બન્યા પછી જ તેનો ચોક્કસ ટ્રેક અને દિશા નક્કી થશે. જો કે એક વાત ચોક્કસ છે કે, 2026ના ચોમાસાની શરૂઆત વાવાઝોડાથી થશે.

(12:12 AM IST)