તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 7th April 2026
GPL-15: મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ, સમર્થ વ્યાસનું વિસ્ફોટક શતક
SGVP ગ્રાઉન્ડ પર ખેલાયો રોમાંચક જંગ: સમર્થ વ્યાસની આક્રમક સદી અને અનુનય સિંહની પંચક વિકેટે પ્રેક્ષકોના દિલ જીત્યા, ત્રણ રોમાંચક મુકાબલામાં રસાકસીભર્યા પરિણામો

અમદાવાદ: એસ.જી. હાઈવે પર સ્થિત SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી સૂર્યા સ્પોર્ટ્સ એકેડમી આયોજિત 'GPL-15' (ગુરુકુલ પ્રીમિયર લીગ) માં રવિવારનો દિવસ અત્યંત રોમાંચક રહ્યો હતો. પ્રથમ મુકાબલામાં સાણંદ સ્પોર્ટ્સ એકેડમી અને SGVP સૂર્ય સ્પોર્ટ્સ એકેડમી સામસામે ટકરાયા હતા. સાણંદની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૩૭ રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. જોકે, લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યજમાન SGVP એકેડમીએ કબીર દવેની શિસ્તબદ્ધ બોલિંગ (૪ ઓવરમાં ૧૩ રન, ૨ વિકેટ) અને બેટ્સમેનોના સંયુક્ત પ્રયાસથી ૧૭.૫ ઓવરમાં જ ૬ વિકેટ ગુમાવી વિજય મેળવી લીધો હતો.
દિવસની બીજી મેચમાં ક્રિકેટપ્રેમીઓને રનનો વરસાદ જોવા મળ્યો હતો. સેઠ ૧૧ ની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૧૯૧ રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો, પરંતુ બાસુંડા ક્લબના સમર્થ વ્યાસે મેદાનમાં ઉતરીને અકલ્પનીય બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. સમર્થ વ્યાસે માત્ર ૪૯ બોલમાં ૧૩ ગગનચુંબી છગ્ગા અને ૭ ચોગ્ગાની મદદથી ૧૨૯ રન ઝૂડી કાઢીને અશક્ય લાગતા લક્ષ્યાંકને માત્ર ૧૫.૪ ઓવરમાં જ સર કરી લીધો હતો. આ ઐતિહાસિક જીત સાથે સમર્થ વ્યાસ મેચના સાચા હીરો સાબિત થયા હતા અને બાસુંડા ક્લબે ૭ વિકેટે ભવ્ય વિજય નોંધાવ્યો હતો.
અંતિમ મુકાબલો ફ્રેન્ડ્સ CC અને ક્રિકસ્ટાર ક્રિકેટ એકેડમી વચ્ચે ખેલાયો હતો, જેમાં બોલિંગ અને બેટિંગનો શાનદાર સમન્વય જોવા મળ્યો હતો. ફ્રેન્ડ્સ CC ની ટીમ ૧૪૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ક્રિકસ્ટારના અનુનય સિંહે ઘાતક બોલિંગનો પરચો બતાવતા ૪ ઓવરમાં ૨૩ રન આપીને ૫ વિકેટ ઝડપી લીધી હતી. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ક્રિકસ્ટાર એકેડમી તરફથી સૌરવ ચૌહાણે ૬૫ રનની આક્રમક ઇનિંગ રમી ટીમને ૧૭ ઓવરમાં ૫ વિકેટે વિજય અપાવ્યો હતો. આમ, GPL-15 ના ત્રણેય મુકાબલાઓમાં ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ક્રિકેટ રસિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
