<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કુદરતનો પ્રકોપ : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર અને ખેડા પંથકમાં વંટોળ સાથેના માવઠાથી જનજીવન પ્રભાવિત : તૈયાર પાક પલળી જતાં ખેડૂતોમાં ફફડાટ અને આગામી ૨૪ કલાકમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની ગંભીર આગાહી

રાજકોટ: ચૈત્ર માસના પ્રારંભે જ્યારે આખું રાજ્ય અસહ્ય લૂ અને ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે અચાનક પ્રકૃતિએ મિજાજ બદલતા અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આજે ૭મી એપ્રિલના રોજ બપોરના સમયે આકરી ગરમી વચ્ચે અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર પવનના વંટોળ સાથે માવઠું ત્રાટકતા ભર ઉનાળે ચોમાસા જેવો ભાસ થયો હતો. સાબરકાંઠા, મહેસાણાથી લઈને સૌરાષ્ટ્રના ભાવનગર અને ચરોતરના ખેડા-આણંદ પંથકમાં કમોસમી વરસાદી ઝાપટાં પડતા તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ આ માવઠાએ ખેતરમાં તૈયાર થયેલા પાક પર આફત વરસાવતા ધરતીપુત્રોના જીવ અધ્ધર થઈ ગયા છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન સાથે આવેલા આ વરસાદે સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું હતું. મહેસાણાના વિસનગરમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી, જ્યાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું, જેનાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. અમદાવાદમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું હતું.

ચરોતર અને પંચમહાલમાં વંટોળ સાથે વરસાદ:
ખેડા જિલ્લાના માતર, ભલાડા અને નડિયાદ પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. નડિયાદમાં જોરદાર પવન અને વંટોળ ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આણંદના ખંભાત પંથકમાં પણ વરસાદ ખાબકતા ખેતરોમાં તૈયાર થયેલા ઘઉંના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. પંચમહાલના ગોધરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે માવઠું થતા વાતાવરણ અંધકારમય બની ગયું હતું.

હવામાન વિભાગની ૨૪ કલાકની ચેતવણી:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની પ્રબળ સંભાવના છે. આ દરમિયાન ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાની પણ શક્યતા છે. દરિયામાં કરંટ જોવા મળી શકે તેમ હોવાથી માછીમારોને બે દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

ચૈત્ર માસમાં વરસી રહેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને ઘઉં, બાજરી અને કેરી જેવા પાકોને આ માવઠાથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરમાં તૈયાર થયેલો પાક પલળી જવાની બીકે ધરતીપુત્રો પાકને સુરક્ષિત કરવાના મથામણમાં લાગી ગયા છે.

(4:17 PM IST)